બે ઓપરેશનમાં મહારાષ્ટ્રની રાયગઢ પોલીસે દવા કંપનીઓમાંથી રૂ. ૩૨૫ કરોડનું ડ્રગ જપ્ત કર્યું

રાયગઢઃ મહારાષ્ટ્રની રાયગઢ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે દવા કંપનીઓમાંથી રૂ. ૩૨૫ કરોડનું ડ્રગ જપ્ત કર્યું છે. આ જાણકારી રાયગઢ પોલીસે આપી છે. થોડા દિવસો પહેલા રાયગઢ જિલ્લાના ખોપોલીમાં આંચલ કેમિકલ નામની ફાર્માસ્યુટિકલ કંપનીમાં દરોડા પાડવામાં આવ્યાં હતા. આ દરોડામાં પોલીસે રૂ. ૧૦૭ કરોડનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતુ અને ત્રણ ડ્રગ્સ સ્મગલરની ધરપકડ કરી હતી.

પોલીસે જણાવ્યું કે, તેમને માહિતી મળી હતી કે ખોપોલીના ઠેકુ ગામમાં આવેલી ‘આંચલ કેમિકલ’માં પણ એમડી ડ્રગ્સનું ઉત્પાદન કરાય છે. જે બાદ પોલીસે દરોડા પાડીને ૧૦૭ કરોડના એમડી ડ્રગ્સ સાથે ૩ લોકોને પકડી પાડ્યાં હતા. ઉપરાંત પોલીસે રૂ.૧૫ લાખની કિંમતનું એમડી ડ્રગ પાવડર બનાવવામાં વપરાતું કાચું કેમિકલ અને રૂ.૬૫ લાખની કિંમતની મશીનરી જપ્ત કરી છે.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે કેસ નોંધ્યા બાદ ત્રણેયને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા, જ્યાં કોર્ટે આરોપીઓને ૧૪ ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા. આ પછી પોલીસે આરોપીની કસ્ટડીમાં પૂછપરછ કરી. આરોપીએ જણાવ્યું કે કંપનીએ અન્ય કેટલીક જગ્યાએ પણ ડ્રગ્સ છુપાવ્યું હતું. ત્યારબાદ પોલીસે કંપનીના ગોડાઉનમાં દરોડા પાડીને ૧૭૪ કિલો એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું.

પોલીસના જણાવ્યાં અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરાયેલી સામગ્રીની કિંમત ૨૧૮ કરોડ રૂપિયા છે. પોલીસે જણાવ્યું કે બંને ઓપરેશનમાં પોલીસે અત્યાર સુધીમાં ૩૨૫ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે.