ગુજરાતમાં ભેળસેળિયા તત્વો બધું વેંચી નાખશે પછી ખબર પડશે ‘અસલી હતું કે નકલી’!

મિલાવટી ખાદ્ય પદાર્થોના નમુના લેબોરેટરીમાં મોકલ્યા બાદ ૧૪થી ૧૫ દિવસે પરિણામો આવશે!

ગાંધીનગરઃ ગુજરાતમાં ભેળસેળિયા તત્વો બેફામ બની ગયા છે તહેવારોની મોસમમાં નકલી અને ભેળસેળનું હબ બની ચૂકેલા ગુજરાતમાં લાલચી વેપારીઓ અને ઉત્પાદકો સામે કડક હાથે કામ લેવા ફૂડ સેફટી અને સ્ટાન્ડર્ડ ઓથો ઇન્ડિયા સૂચના આપી છે પરિણામે રાજ્યના ફુડ વિભાગના અધિકારીઓ કામે લાગી ગયા છે દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે નકલી ઘી નકલી, નકલી હળદર, નકલી માવો, નકલી મરચાનો જથ્થો પકડવાની સાથે મિલાવટી ખાદ્ય પદાર્થોના નમુના લેબોરેટરીમાં મોકલ્યા બાદ ૧૪થી ૧૫ દિવસે પરિણામો આવે છે. જોકે, ત્યાં સુધીમાં તો મીઠાઈ હોય કે ફરસાણ તેનો લાખોનો વેપાર થઈ જાય છે, જયારે રાજય સરકાર દવારા કરોડોના ખર્ચ વસાવેલી ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી ઓન વ્હીલ ઉપયોગ થતો નથી. આ તમામ વાહનો સરકારી કચેરી સામે ધૂળ ખાઈ રહ્યા છે.

કેન્દ્રીય એજન્સી દ્વારા લોટ, મીઠાઈ, દૂધ ,દૂધની બનાવટો તળેલા ફરસાણ ઘી અને પનીર જેવી ચીજોમાં થતી ભેળસેળ રોકવા વિશિષ્ટ ડ્રાઈવ શરૂ કરવાની રાજ્યોને સૂચના આપી હતી, પરિણામે ગુજરાત રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાસે સ્ટાફની કમી હોવાથી રાજ્યભરમાં છાપા મારી શકાતા નથી. એજન્સીએ રાજ્યભરમાંથી છૂટક મીઠાઈ પર ફરજિયાત તારીખ લખવાનું આદેશ કર્યો છે રાજ્ય સરકારે એવા વેપારી કે ઉત્પાદકો જે તારીખો નથી લખતા તેમની સામે કડક હાથે કામ લેવા જણાવ્યું છે.

અત્રે નોંધવું જરૂરી છે કે રાજ્ય સરકારના ઔષધ નિયમન તંત્ર દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ લેબ તૈયાર કરી છે, કમનસીબે તેનો ઉપયોગ નહીં થવાના પરિણામે જૂના સચિવાલયના કમ્પાઉન્ડમાં તે ધૂળ ખાય છે. દિવાળીના તહેવાર દરમિયાન તેનો ઉપયોગ કરીને ઓન ધ સ્પોટ નમૂના લેવામાં આવે તો ભેળસેળિયા તત્વોને નાથી શકાય લોકોને અખાદ્ય પદાર્થોથી બચાવી શકાય તેમ છે પણ એવું થતું નથી.

રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવેલી ડ્રાઈવ દરમ્યાન ઘી, તેલ સહિતના પદાર્થના નમુના લઈને વડોદરા સ્થિત લેબોરેટરીમાં મોકલાય છે આ નમૂનાનું પરિણામ ૧૪ દિવસ પછી આવે છે. ઘણી વખત એકાદ મહિના સુધીનો સમય પણ વીતી જાય છે. એ દરમિયાન મીઠાઈ ફરસાણનો લાખોમાં વેપાર થઈ જાય છે. લોકો મીઠાઈ અને ફરસાણ આરોગી પણ જાય છે, પરિણામે આરોગ્ય પર મોટો ખતરો ઊભો થાય છે.