દિલ્હીમાં હવા પ્રદુષણને જાેતા સિગ્નલ પર રેડ લાઈટ થતાં ગાડી બંધ કરવાનું અભિયાન શરૂ કર્યું

દિલ્હીમાં આજથી શરૂ થઈ રહેલા ‘રેડ લાઈટ ઓન ગાડી ઓફ’ અભિયાન અંતર્ગત દિલ્હીના ૧૦૦ ૪ રસ્તાઓ ઉપર ૨,૫૦૦ વોલેન્ટિયર્સ તૈનાત થશે. તેમાંથી ૯૦ જેટલા ચાર રસ્તાઓ ખાતે ૧૦-૧૦ અને ૧૦ પ્રમુખ ચાર રસ્તાઓ પર ૨૦-૨૦ પર્યાવરણ માર્શલ તૈનાત થશે. તમામ ચાર રસ્તાઓ પર સિવિલ ડિફેન્સ કર્મીઓ હાથોમાં પ્લેકાર્ડ લઈને રેડ લાઈટ વખતે લોકોને ગાડીનું એન્જિન બંધ કરવા માટે વિનંતી કરશે.

દિલ્હીમાં પ્રદૂષણના સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આ બધા વચ્ચે કેજરીવાલ સરકારે નાસા સેટેલાઈટ દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરનો હવાલો આપીને પંજાબ અને હરિયાણામાં પરાળી સળગાવવાની ઘટનાઓ સામે સવાલ કર્યા છે. આ સાથે જ પર્યાવરણ મંત્રીએ પ્રદૂષણનો સામનો કરવા માટે ઓડ-ઈવન ફોર્મ્યુલાને અંતિમ હથિયાર ગણાવ્યું છે.

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયના કહેવા પ્રમાણે ગત વર્ષે દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ અંગે એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાં જાણવા મળ્યું હતું કે, જ્યારે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં પરાળી સળગાવવાનું વધી જાય છે ત્યારે દિલ્હીનું પ્રદૂષણ સ્તર પણ તેના પ્રમાણમાં વધી જાય છે. આ વર્ષે ૧૩ ઓક્ટોબરના રોજ એર ક્વોલિટી ઈન્ડેક્સનું સ્તર ૧૭૧ હતું.  નાસાની તસવીરો પ્રમાણે તે દિવસે પરાળી સળગાવવાની ઘટના ઓછી બની હતી. પરંતુ છેલ્લા ૩ દિવસથી પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણામાં પરાળી સળગાવવાની ઘટનાઓમાં ખૂબ જ વધારો થયો છે. તે ઝડપની સાથે જ શનિવારે AQ સ્તર ૨૮૪એ પહોંચી ગયું હતું.