ખેરાલુના ચાડા ગામે ખેતરમાં અજગરનો જીવદયા પ્રેમીએ રેસ્ક્યૂ કરી જંગલમાં છોડ્યો

ખેરાલુ તાલુકાના ચાડા ગામની સીમા આવેલા ખેતરમાં એકાએક છ ફૂટ લાંબો મહાકાય અજગર આવી ચડ્યો હતો. જેથી ખેતરમાં કામકાજ કરી રહેલાં લોકોમાં નાસભાગ મચી હતી. ત્યારબાદ આ અજગરને જીવદયા પ્રેમીઓએ રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપ્યો હતો. બાદમાં તંત્રએ તારંગા જંગલમાં અજગરને સહી સલામત રીતે છોડી મૂક્યો હતો.

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં અવારનવાર અજગર અને ઝેરી સાપો આવવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ચાડા ગામના રહીશ ચૌધરી ગણેશ હેમરાજભાઈનું સાગથળા રોડ ઉપર ખેતર આવેલું છે. જેમાં મજૂરો સહિતના લોકો ખેતીનું કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક મહાકાય અજગર દેખાતાં ખેતરમાં કામ કરેલા લોકોમાં નાસભાગ મચી હતી.

અજગર આવી ચડ્યો હોવાની ઘટના અંગે ખેતર માલિકને ફોન કરીને જાણ કરવામાં આવી હતી. તેથી તેમને ખેરાલુ પંથકમાં સાપ પકડનારા જીવદયા પ્રેમી મહેમુદને ફોન કરીને જાણ કરતાં તેઓ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળ પર આવી પહોંચ્યા હતા. ત્યારબાદ ભારે જહેમત બાદ આશરે સાડા છ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરતા આસપાસના લોકોમાં હાશકારો થયો હતો. આ અંગે ખેરાલુ વન વિભાગને જાણ કરીને તેઓને હવાલો આપતા તેને તારંગા જંગલમાં સહી સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યો હતો.