નારોલના સુદામા એસ્ટેટમાં ઝેરી કચરાના ગેરકાયદેસર વેપારનો પર્દાફાશ: GPCBના ફિલ્ડ ઓફિસરની બેદરકારી સામે પણ ઉઠ્યા પ્રશ્નો
અમદાવાદ: નારોલમાં આવેલા સુદામા એસ્ટેટના ગોડાઉન નં. ૨૧૩ અને ૨૨૩માં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે ઝેરી કલર અને કેમિકલ વેસ્ટ (કચરો) લાવીને તેને સુકવી અને વેચાણ કરવાની ગંભીર પ્રવૃત્તિ ચાલી રહી હોવાની ચર્ચા જોવા મળી છે. આ ગોડાઉનના માલિકો દ્વારા મુખ્ય દરવાજા ઉપર બહારથી તાળું મુકીને આ પ્રવૃત્તિ બંધ બારણે ચલાવવામાં આવી રહી હોવાની અને આ પ્રવૃત્તિ થકી આસપાસના વિસ્તારોમાં હવાનું ગંભીર પ્રદૂષણ ફેલાઈ રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ સમગ્ર વ્યવસાય માટે કોઇપણ પ્રકારની સરકારી કે કોર્પોરેશનની મંજુરી કે પરવાનગી લેવામાં ન આવી હોવાનું જણાવા મળી રહ્યું છે, છતાં, વર્ષોથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કોઈ પણ જાતના ભય વગર ચાલુ રહેવી એ એક ચિંતાજનક બાબત તો છે જ.
સ્થાનિક નાગરિકો અને પર્યાવરણ પ્રેમીઓએ આ મામલે GPCBના ફિલ્ડ ઓફિસરની બેદરકારી સામે પણ આંગળી ઉઠાવી રહ્યા છે. તેમનો આક્ષેપ છે કે GPCBના જવાબદાર અધિકારીઓએ આ વિસ્તારમાં નિયમિત નિરીક્ષણ ન કરવું, સ્થાનિક ફરિયાદોને અવગણવી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કોઈ પગલાં ન લેવું એ ગંભીર બેદરકારી દર્શાવે છે. પરિણામે, ઝેરી કચરાના કારણે હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે અને સ્થાનિક નાગરિકોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે.
હવે જરૂરી છે કે તાત્કાલિક પોલીસને સાથે રાખી ગોડાઉનના તાળા તોડાવી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરાવવામાં આવે. સાથે જ, ગોડાઉનના માલિકો તેમજ GPCBના બેદરકાર અધિકારીઓ વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરીને જવાબદારી નિશ્ચિત કરવી જોઈએ.










