ફાયર સેફ્ટી અંગે હાઇકોર્ટ સરકાર વિરુદ્ધ લાલઘૂમ

રાજ્યના અનેક શહેર અને જિલ્લામાં બેરોકટોક ચાલતા ગેરકાયદે બાંધકામો અને ફાયર સેફ્ટી વિનાની હોસ્પિટલો તથા અન્ય એકમો સામે ગુજરાત હાઇકોર્ટે લાલ આંખ કરી છે અને રાજ્યમાં અવારનવાર બનતી આગની ઘટનાઓને ધ્યાનમાં લઇ રાજ્ય સરકારને ફાયર સેફ્ટીના નિયમની યોગ્ય અમલવારી માટે સુચન પણ આપી છે. ત્યારે આજે રાજ્ય સરકારની ઝાડકણી કાઢતા હાઇકોર્ટે સાફ કહી નાંખ્યું છે કે, ફાયર સેફટી એકટ લાગુ થાય બાદ ગેરકાયદેસર ઇમારતો મામલે બિલ્ડર અને અધિકારીઓ સામે પગલાં લેવાયા હોય એવી માહિતી આપો.

ગુજરાત હાઇકોર્ટે સૂનાવણી દરમિયાન રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા સાફ શબ્દોમાં કહ્યું કે, ફાયર સેફટી એક્ટની યોગ્ય અમલવારી જરૂરી છે. ગુજરાત હાઇકોર્ટે માં ફાયર સેફટી મુદ્દે સુનાવણી શરૂ થઇ હતી ત્યાં જ રાજ્ય સરકાર દ્વારા હાઇકોર્ટમાં રજૂ કરાયેલા સોગંદનામાં મુદ્દે દલીલો શરૂ ગઇ હતી. જેમા એડવોકેટ જનરલે કહ્યું કે, આ મુદે રાજ્ય સરકાર સક્રિય વિચાર સાથે કામ કરી રહી છે. જ્યાકે હાઇકોર્ટે કહ્યું કે, અમે એ જ કહ્યું હતું કે રાજ્ય સરકાર સક્રિય રીતે આ મામલે શું કરી રહી છે. ફાયર સેફટી એકટ લાગુ થાય બાદ ગેરકાયદેસર ઇમારતો મામલે બિલ્ડર અને અધિકારીઓ સામે પગલાં લેવાયા હોય એવી માહિતી આપો. ફક્ત કાયદાથી નહીં ચાલે કોઈ નક્કર પગલાં લેવાય એ જરૂરી છે, કોઈ પરિવર્ન થયું હોય એવું દેખાતું નથી રહ્યું.

સૂનાવણી દરમિયાન એડવોકેટ જનરલે કહ્યું કે, અમે નોટિસ આપી રહ્યા છીએ કે તમારું કન્સ્ટ્રક્શન પ્લાન મુજબ કરો નહીં તો સમય બાદ ડીમોલિશ કરીશું અથવા ઓર્ડિનન્સ લાવીશું.

જેના સંદર્ભમાં ગુજરાત હાઇકોર્ટે એવો પણ સવાલ કર્યો હતો કે, જી.ડી.સી.આર. મુજબ ના થતું હોય તો સમય આપવાનો અર્થ શું છે. તાત્કાલિક પગલાં નહીં ભરો તો કંઈ નહીં થાય અને ફરીથી આ જ પ્રકારની સ્થિતિ આવશે.

જણાવી દઇએ કે, રાજ્યની હોસ્પિટલોમાં અને સુરતની તક્ષશિલા આગકાંડ બાદ ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને ફાયર સેફ્ટીની અમલવારી માટે યોગ્ય કાર્યવાહી કરવા સુચના આપી છે. અને જે એકમો ફાયર સેફ્ટીના નિયમોની અમલવારી નથી કરતા ત્યાં આકરી કાર્યવાહી કરવા પણ આદેશો આપ્યા છે.