બિપરજોય વાવાઝોડા સંદર્ભે રાજ્યના ઉદ્યોગ ગૃહોને સહાય રૂપ થવા ગાંધીનગર ખાતે ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે ‘‘સ્ટેટ કંટ્રોલ રૂમ ફોર ઈન્ડસ્ટ્રીઝ’’ ખુલ્લો મૂકાયો

ઉદ્યોગ મંત્રી દ્વારા બિપોરજોય વાવાઝોડા સંદર્ભે ‘‘સ્ટેટ કંટ્રોલ રૂમ ફોર ઈન્ડસ્ટ્રીઝ’’નો હેલ્પ લાઇન નંબર ૦૭૯-૨૩૨- ૫૮૩૮૫ જાહેર કરાયો

ગાંધીનગરઃ રાજ્યમાં પ્રવર્તી રહેલા ’બિપરજોય વાવાઝોડા’ની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇને ઉદ્યોગ ગૃહોને સહાયરૂપ થવા રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે ‘‘સ્ટેટ કંટ્રોલ રૂમ ફોર ઈન્ડસ્ટ્રીઝ’’ કાર્યરત કરાયો છે. આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે હેલ્પ લાઇન નંબર ૦૭૯- ૨૩૨- ૫૮૩૮૫ પણ જાહેર કરાયો હતો.

ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે આ કંટ્રોલરૂમનો શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે,રાજ્યમાં સંભવિત બિપરજોય વાવાઝોડાનું જ્યારથી સંકટ શરુ થયું ત્યારથી જ રાજ્ય સરકારે સઘન કામગીરી આરંભી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ વાવાઝોડાનું સતત મોનીટરીંગ કરીને સંભવિત થનાર નૂકસાન અંગે પણ સાવચેતીના પગલાનું આયોજન કરાયુ છે. મુખ્યમંત્રી પટેલે દરિયાકાંઠાના આઠ જિલ્લાઓમાં વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાને લઇને ૮ અલગ અલગ જિલ્લાઓમાં મંત્રીઓને પરિસ્થિતિનો તાગ મેળવવા સૂચના આપી હતી અને તેઓ સત્વરે જિલ્લામાં પહોંચી ગયા હતા. ઉદ્યોગગૃહોને સહાયરૂપ થવા ગુજરાત સરકારે અલાયદી રણનીતિ બનાવી કંટ્રોલ રૂમ શરુ કર્યો છે. વેપારી એસોસિએશનને અને શ્રમ અને રોજગાર વિભાગને સાથે જોડી એક સંયુક્ત અભિયાન હાથ ધર્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અતિ જોખમી ઉદ્યોગો જેમ કે સિમેન્ટ ઉદ્યોગ, પેટ્રોલિયમ, ચીમનીઓ ધરાવતા એકમો, બોઈલર ધરાવતા એકમો, રસાયણ, કેમિકલ કે ઝેરી તત્વો ધરાવતા ઉદ્યોગોને બે દિવસ બંધ રાખવાની સુચના પણ આપવામાં આવી છે.

આગામી દિવસોમાં આ વાવાઝોડુ જુનાગઢ, જામનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મોરબી અને કચ્છ જિલ્લામાં ઘણી માઠી અસર કરે તેવી સંભાવનાને ધ્યાને રાખી આ વિસ્તારના નાગરિકોને તથા ઉદ્યોગોને પણ શક્ય તેટલી મદદ કરી શકાય તે માટે જી.આઈ.ડી.સી.ની વડી કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે આ ‘‘સ્ટેટ કંટ્રોલ રૂમ ફોર ઈન્ડસ્ટ્રીઝ’’ શરુ કરવામાં આવ્યો છે જેનો સંપર્ક નંબર ૦૭૯-૨૩૨-૫૮૩૮૫ રહેશે. સાથે સાથે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા પણ કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યો છે જેનો સંપર્ક નંબર ૧૫૫૩૭૨ જાહેર કરવામાં આવ્યો છે.

ચોવીસ કલાક કાર્યરત આ કંટ્રોલ રૂમના મુખ્ય અધિકારી તરીકે જી.આઈ. ડી.સી.ના જોઈન્ટ મેનેજીંગ ડીરેક્ટર શ્રી મીના કાર્યરત રહેશે.તેઓ કલેક્ટર અને જિલ્લા કંટ્રોલ રૂમના પરામર્શ અને સંકલનમાં રહી સમગ્ર કામગીરી કરશે. આ કંટ્રોલ રૂમમાં જી.આઈ.ડી.સી. અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓ સંયુક્ત રીતે ૮ કલાકની ત્રણ શિફ્ટમાં ફરજો બજાવશે અને જે-તે જિલ્લાના કલેક્ટરો અને જિલ્લા કંટ્રોલ રૂમના સંપર્કમાં રહી ક્ષેત્રીય કચેરીઓના અધિકારીઓને સમયાનુસાર જરૂરી કામગીરી માટે નિર્દેશ આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના કુલ ૮ જિલ્લાઓની જી.આઈ.ડી.સી.માં ૩૯ એસ્ટેટ, ૮૨૨૩ એકમો, ૯૨,૬૭૮ કામદારો અને ૧૮,૨૫૧ વસાહતોને સંભવિત અસર હોવાથી તકેદારીના પગલા લેવાઈ રહ્યા છે.

આ પ્રસંગે ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદર, ઉદ્યોગ વિભાગના ઉદ્યોગ કમિશનર કુલદીપ આર્યા, અધિક કમિશનર બી.એમ પ્રજાપતિ, જી.આઈ.ડી.સી.ના જોઈન્ટ મેનેજીંગ ડીરેક્ટર મીના સહીત શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.