દિલ્હીમાં ટ્રકોની એન્ટ્રી નહીં આપતા નોઈડા હાઈવે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ

દિલ્હીમાં પર્યાવરણ વિભાગ દ્વારા જારી આદેશમાં જણાવવામાં આવ્યું છે કે ખરાબ વાયુ ગુણવત્તા પૂર્વાનુમાન અને વાહનોથી થતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને વાહનોની અવર જવર પર પ્રતિબંધોને લઇને આ નિયમો લાગુ કરાયા છે. સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એંડ વેધર ફોરકાસ્ટિંગ એંડ રિસર્ચના જણાવ્યા અનુસાર સોમવારે સતત નવમા દિવસે પણ દિલ્હી-એનસીઆરની એર ક્વોલિટી અત્યંત ખરાબ કેટેગરીમાં રહી. જોકે બાદમાં ભારે પવનને કારણે એર ક્વોલિટીમાં મામૂલી સુધારો જોવા મળ્યો હતો અને વિઝિબિલિટી પણ સારી રહી હતી. પણ એર ક્વોલિટી એક્યુઆઇ ૩૦૭ રહી હોવાથી ખરાબ કેટેગરીમાં મુકવામાં આવી હતી. રાજધાનીમાં ૨૬મી તારીખ સુધી ટ્રકોની એન્ટ્રી પર પ્રતિબંધ મુકાયો હોવાથી દિલ્હી-નોઇડા બોર્ડર પર લાંબી લાઇનો લાગી હતી.

રાજધાની દિલ્હીમાં ટ્રકોની એન્ટ્રી પર ૨૬મી તારીખ સુધી પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જેને પગલે દિલ્હી-નોઇડા બોર્ડર પર લાંબી લાઇન લાગી હતી અને ભારે ટ્રાફિક જામ થયો હતો. પ્રદૂષણને અટકાવવા લીધેલા આ પગલાએ હજારો વાહનોને રોડ પર જ અટકાવી દીધા હતા. સોમવારે સપ્તાહનો પહેલો વર્કિંગ ડે હોવાને કારણે રોડ પર અનેક વાહનો જોવા મળ્યા હતા.

દિલ્હી સરકારે એર પોલ્યૂશનને પહોંચી વળવા માટે દિલ્હીમાં બિનજરૂરી સામાન લઇને આવતા ટ્રકોની એન્ટ્રી પર પ્રતિબંધ મુકી દીધો હતો જેને ૨૬મી નવેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે. સાથે જ દિલ્હી સરકારે પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ જારી રાખવાનો આદેશ આપ્યો છે. આગામી આદેશ સુધી સ્કૂલ અને કોલેજાેને પણ બંધ રાખવાનું કહેવામાં આવ્યું છે. જારી સરક્યૂલરમાં જણાવવામા આવ્યું છે કે જરૂરી સેવાઓમાં સામેલ લોકોને છોડીને અન્ય સરકારી કાર્યાલયો પણ ૨૬મી નવેમ્બર સુધી બંધ રાખવામાં આવશે.