શિયાળામાં ધોધમાર વરસાદ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા

ગુજરાતમાં ધીમા પગલે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. દિવસે ગરમી અને રાતે ઠંડી અનુભવાઈ રહી છે. રાજ્યમાં બેવડી ઋતુની અસર અનુભવાઈ રહી છે. ત્યારે રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે. શિયાળાની શરૂઆતે જ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. મગફળીના તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.

દ્વારકામાં આજે બપોર બાદ એકાએક વાતાવરણ બદલાયું છે અને અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. કલ્યાણપુર તાલુકાના જામ દેવળિયા, સણોસરી, ટંકારીયા અને દેવળિયા અનેક ગામડાઓમાં માવઠાથી ખેડૂતો ચિંતિત બન્યા છે. શિયાળામાં ધોધમાર વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કમોસમી વરસાદથી બજારોમાં પાણી વહેતા થયા છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર થયેલા પાકને ભારે નુકશાન પહોંચ્યું છે. એટલું જ નહીં, શિયાળુ પાકની વાવણી બાદ ખેડૂતોની નજર સામેનો પાક વરસાદમાં ધોવાયો છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, હાલ ગુજરાતમાં બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. આ ટ્રન્ઝીટ પીરિયડ છે. આ ટ્રાન્ઝિસ્ટ મહિનો હોવાથી હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. પરંતું જલ્દી જ વાતાવરણમાં ઠંડીનો અહેસાસ થવા લાગશે. ગુજરાતમાં હજુ ૧૫ દિવસ મિશ્ર ઋતુ જોવા મળશે. પરંતુ શિયાળો હવે મોડો આવશે. શિયાળાના આગમનને હજી પંદર દિવસ રાહ જોવી પડશે.