દિલ્હી-NCRમાં ભારે વરસાદ, નોઈડામાં હિંડનનો કહેર યથાવત

ઉત્તર ભારતમાં હજુ પણ ચોમાસાની અસર જોવા મળી રહી છે. બુધવારે સવારે દિલ્હી અને દ્ગઝ્રઇના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગે આજુબાજુના વિસ્તારોમાં સતત વરસાદનું એલર્ટ જાહેર કર્યું હતું, જેની અસર બુધવારે સવારે જોવા મળી હતી. દિલ્હીના મંડી હાઉસ, રિંગ રોડ અને અન્ય વિસ્તારોમાં વરસાદની અસર જોવા મળી હતી. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી બેથી ત્રણ કલાક સુધી દિલ્હી-એનસીઆરમાં આવો ભારે વરસાદ પડી શકે છે. આવી સ્થિતિમાં બુધવારે ઓફિસ જનારાઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

દિલ્હી-નોઈડાના ઘણા વિસ્તારોમાં વહેલી સવારના વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જણાવી દઈએ કે દિલ્હી-NCRમાં હવામાનનો પ્રકોપ પહેલાથી જ જોવા મળી રહ્યો છે. ગ્રેટર નોઈડામાં હિંડન નદીમાં પૂરની સ્થિતિને કારણે ડમ્પિંગ યાર્ડમાં પાર્ક કરાયેલા વાહનો ડૂબી ગયા છે, લગભગ ૩૦૦ થી ૪૦૦ વાહનો ડૂબી ગયા છે. તેની તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હિંડનના વધતા જળસ્તરને કારણે નોઈડા અને ગાઝિયાબાદની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘણી ફરિયાદો નોંધાઈ છે.

જો દિલ્હી-NCR સિવાયના વિસ્તારોની વાત કરીએ તો હવામાન વિભાગે મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આવી સ્થિતિમાં ફરી એકવાર વરસાદના કારણે આ વિસ્તારોમાં મુશ્કેલી સર્જાઈ શકે છે. આ વખતે જુલાઈ મહિનામાં ભારે વરસાદ થયો છે, ઉત્તર ભારતથી લઈને પશ્ચિમ ભારત સુધી દરેક જગ્યાએ આકાશી આફતના કારણે હાહાકાર મચી ગયો છે. બુધવારે સવારે દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. ખરાબ હવામાન અને પાણી ભરાવાને જોતા ગૌતમ બુદ્ધ નગરની તમામ શાળાઓમાં ધોરણ ૧૨ સુધી રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા ડીએમ મનીષ વર્માએ આ આદેશ જાહેર કર્યો છે.