આગામી ૩ દિવસ સુધી જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ

હવામાન વિભાગનું કહેવું છે કે આગામી દિવસોમાં ૨૪ ડિસેમ્બરથી ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જ્યારે અન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ૨૬ ડિસેમ્બરથી સક્રિય થશે. વિભાગ અનુસાર, ૨૪-૨૫ ડિસેમ્બરના રોજ પંજાબ, હરિયાણા, ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન, અરુણાચલ પ્રદેશ સહિત તમામ પૂર્વી રાજ્યોમાં ઘણી જગ્યાએ ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે. તે જ સમયે, ૨૭ ડિસેમ્બરે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.ર્‌ આગામી ૧-૨ દિવસમાં પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં કેટલીક જગ્યાએ વરસાદની સંભાવના છે. વિભાગે કહ્યું કે આગામી દિવસોમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ધુમ્મસ રહેશે.

IMD અધિકારીઓએ જણાવ્યું હતું કે, “શહેરમાં આગામી દિવસોમાં મધ્યમથી નીચું ધુમ્મસ રહેવાની શક્યતા છે. આગામી બે-ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો થવાની સંભાવના છે.હિમવર્ષા વચ્ચે ગુરુવારે જમ્મુ-કાશ્મીરમાં લઘુત્તમ તાપમાનમાં થોડો સુધારો થયો છે. ગુરુવારે સવારે ઘાટીના તંગમર્ગ, ગુલમર્ગ અને બાબરેશી વિસ્તારોમાં ૨-૩ ઈંચ તાજી હિમવર્ષા થઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગઈકાલે રાત્રે શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન સુધરીને ૨.૬ ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે. બીજી તરફ, પહેલગામમાં ૦.૩ ડિગ્રી સેલ્સિયસ અને ગુલમર્ગમાં માઈનસ ૩.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ૨૬ ડિસેમ્બરે જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. બીજી તરફ પૂંચ વિસ્તારમાં ભારે હિમવર્ષા બાદ ગુરુવારે મુગલ રોડ પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. ભારે હિમવર્ષાને કારણે શિયાળામાં આ રસ્તો ઘણીવાર બંધ રહે છે. મુગલ રોડ જમ્મુ ક્ષેત્રના પૂંચ અને રાજૌરી જિલ્લાઓને દક્ષિણ કાશ્મીરના શોપિયા સાથે જોડે છે.

કાશ્મીરમાં મંગળવારથી ૪૦ દિવસનો ‘ચિલ્લાઇ કલાન’ શરૂ થયો હતો, જે દરમિયાન આ વિસ્તારમાં તીવ્ર ઠંડીનો અનુભવ થાય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસમાં ઉત્તર-પશ્ચિમ, પૂર્વ અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ૨-૪ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે અને તે પછી તેમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. એટલે કે આગામી ૭ દિવસ દરમિયાન ભારતના આ વિસ્તારોમાં કોલ્ડવેવની સ્થિતિ નથી. આગામી ૨૪ કલાક દરમિયાન માત્ર ઓડિશામાં અલગ-અલગ સ્થળોએ કોલ્ડ વેવની સ્થિતિ જોવા મળે તેવી શક્યતા છે.