સ્વાસ્થ્ય મંત્રી, વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રીએ ભારત બાયોટેકની નેઝલ કોવિડ વેક્સીન iNCOVACC ને કરી લોન્ચ

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહે ભારત બાયોટેકની નેઝલ કોવિડ વેક્સીન iNCOVACC ને લોન્ચ કરી છે. ભારત બાયોટેક તરફથી વિકસિત આ વેક્સીન સરકારને ૩૨૫ રૂપિયા પ્રતિ ડોઝમાં ઉપલબ્ધ થશે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં તેની કિંમત ૮૦૦ રૂપિયા હશે.  ભારત બાયોટેકને ડિસેમ્બર ૨૦૨૨માં પ્રાથમિક ૨-ડોઝ અને હીટ્રોલોગસ બૂસ્ટરના રૂપમાં મંજૂરી મળી હતી. આ પહેલા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન) એ ૧૮ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકો માટે ઈમરજન્સી સ્થિતિમાં ઇન્સ્ટાનેઝલ વેક્સીનના પ્રતિબંધિત ઉપયોગને મંજૂરી આપી હતી. વેક્સીનના બે ડોઝ ૨૮ દિવસના અંતર પર આપવાના હોય છે. વેક્સીન નિર્માતા ભારત બાયોટેક અનુસાર કોવિન વેબસાઇટ પર જઈને ઇન્ટ્રાનેઝલ વેક્સીનના ડોઝ માટે અપોઈન્ટમેન્ટ બુક કરી શકાય છે.

iNCOVACC ને વોશિંગટન વિશ્વ વિદ્યાલય, સેન્ટ લુઇસની સાથે ભાગીદારીમાં વિકસિત કરવામાં આવી છે.  ભારત બાયોટેકે પ્રી-ક્લિનિકલ સલામતી મૂલ્યાંકન, ઉત્પાદન સ્કેલ અપ, ફોર્મ્યુલેશન અને ડિલિવરી ડિવાઇસ ડેવલપમેન્ટ માટે માનવ ક્લિનિકલ ટ્રાયલ્સ પણ હાથ ધરી હતી. બાયોટેકનોલોજી વિભાગના કોવિડ પ્રોટેક્શન પ્રોગ્રામ દ્વારા ઉત્પાદન વિકાસ અને ક્લિનિકલ ટ્રાયલ્સ માટે આંશિક રીતે ભારત સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું.