ગુલાબ વાવાઝોડું ગુજરાત પહોંચીને ફરી એક્ટિવ થવાની શક્યતા

રાજ્યમાં અમદાવાદ સહિત ભાવનગર, વલસાડ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, સુરત, દમણ, નવસારી, ભરુચ, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે કચ્છ, મહેસાણા, ગાંધીનગર, મહિસાગર, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, ડાંગ, બનાસકાંઠા, પંચમહાલ, પાટણ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, મોરબી, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર સહિત દીવમાં હળવો વરસાદ રહેવાની સંભાવના સ્થાનિક હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છેબંગાળની ખાડીમાં ઉભું થયેલું ગુજરાત વાવાઝોડું ગુજરાત તરફ ધસી રહ્યું છે અને તેના લીધે કચ્છ અને સૌરાષ્ટ્રની આસપાસ તેની અસર વર્તાશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ બંગાળની ખાડીમાં ગુલાબ બાદ વધુ એક ચક્રવાત ઉભું થાય તેવી સંભાવના દેખાઈ રહી છે.

ગુજરાતમાં ૭ તારીખથી નવરાત્રિની ઉજવણીની તૈયારીઓ કરાઈ રહી છે તો બીજી તરફ વાવાઝોડાના કારણે વધુ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ગુલાબ વાવાઝોડાના લીધે ગુજરાતમાં ભારે વરસાદની વકી છે, મહિનાના અંતમાં એટલે કે આવતીકાલે ૩૦મી સપ્ટેમ્બર વાવાઝોડું ગુજરાતમાં કચ્છના દરિયા કિનારેથી પસાર થાય તેવી સંભાવના દેખાઈ રહી છે તો બીજી તરફ બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશરના લીધે વાવાઝોડું આકાર લે તેવું માનવામાં આવી રહ્યું છે. ગુલાબ વાવાઝોડું નબળું પડ્યા પછી તે પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આ લો પ્રેશર દરિયા સુધી પહોંચ્યા બાદ ફરી વાવાઝોડામાં પરિવાર્તિત થશે તેવી શક્યતાઓ પ્રબળ બની રહી છે. આ પછી આ વાવાઝોડું શાહિન નામે પૂર્વ પાકિસ્તાન તરફ આગળ વધે તેવી સંભાવના છે.

હવામાનની વેબસાઈટ વીન્ડી પ્રમાણે કચ્છની ખાડીની નજીક પહોંચ્યા બાદ લો-પ્રેશર આવતીકાલે વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે. આ પછી લો-પ્રેશર નલિયા તરફ આગળ વધીને દરિયામાં પહોંચીને વાવાઝોડાનો આકાર લઈ શકે છે. આ કારણે કચ્છ તથા સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ગુલાબ બાદ બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર સર્જાયું છે જે આગામી દિવસોમાં શક્તિતાળી બનીને વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. જોકે, આ અંગે હજુ કોઈ પ્રબળ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી નથી.