ગુજરાત જળાશયની સંખ્યામાં દેશમાં ત્રીજા ક્રમે

નેશનલ રજીસ્ટ્રેશન ઓફ લાર્જ ડેમના રિપોર્ટ મુજબ, દેશના કુલ ૫૭૪૫ પૈકી ૬૩૨ જળાશયો (૧૧%) ગુજરાતમાં છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બાદ દેશમાં સૌથી વધુ જળાશયોમાં ગુજરાત ત્રીજા ક્રમે છે. રાજ્યના ૬૩૨ પૈકી ૧૨ જળાશયો બાંધકામ હેઠળ છે. નેશનલ રજીસ્ટ્રર ઓફ ર્જ ડેમ દ્વારા દેશના કુલ ૫૭૪૫ પૈકી ૭૦ જળાશયોને મહત્વનાં જાહેર કરાયાં છે. જેમાં ગુજરાતના ૪ જળાશયોનો સમાવેશ થાય છે. ૧૯૮૭માં બનેલો કરજણ ડેમ નંબર-૧ ઉપર છે. જેની ઊંચાઇ ૧૦૦ મીટરની અને સંગ્રહ ક્ષમતા ૫૩.૯૦ કરોડ ઘનમીટર પાણીની છે.

આ ઉપરાંત ઉકાઇ ડેમ, કડાણા ડેમ અને સરદાર સરોવરનો સમાવેશ થાય છે. ૩૦ મીટરથી વધુ ઉંચાઇ ધરાવતાં જળાશયો પર ભૂકંપમાપક કેન્દ્ર બનાવાશે. તેમજ ૧૫ મીટરથી વધુ ઉંચાઇ ધરાવતાં જળાશયો પર જળ મૌસમ કેન્દ્ર બનાવાશે. જેનાથી વરસાદ અને વાતાવરણમાં આવતાં ફેરફારનો રિયલ ટાઇમ ડેટા મેળવી શકાશે.

ચોમાસામાં ભારે વરસાદના કારણે આવતાં પૂર અને ભૂકંપની સ્થિતિને લઇ દેશના ૫૭૪૫ જળાશયોની સુરક્ષાને ધ્યાને રાખી ગત ડિસેમ્બર માસમાં કેન્દ્રમાં એક બિલ પાસ કરાયું છે. જે અંર્તગત હવે આ જળાશયોનું ચોમાસા પહેલાં અને પછી એમ બે વખત સરવે કરાશે. જેનો રિપોર્ટ કેન્દ્ર સરકારને આપવાનો રહેશે. આ માટે સુરક્ષા સમિતિઓની રચના કરાશે. સમિતિમાં કુલ ૨૦ સદસ્યો રહેશે. જેમાં ૧૦ કેન્દ્ર સરકારના અને ૭ રાજ્યના સાથે ૩ નિષ્ણાતો સમિતિના સદસ્યો રહેશે.