ઘર ઘર નળ જોડાણથી પાણી આપવામાં ગુજરાત અગ્રેસર : ઋષિકેશ પટેલ

પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા દૂર – સૂદૂર અને દૂર્ગમ વિસ્તારો સહિતના સ્થળોએ ડુંગરાળ પ્રદેશો તેમજ છૂટા છવાયા ધરોમાં પણ નળ નું જોડાણ આપીને નળ થી જળ પહોંચાડવાની કામગીરી સુપેરે પૂર્ણ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં આ લક્ષ્યાંક ૨૦૨૨ સુધીમાં જ પૂર્ણ કરવાની દિશામાં કામગીરી હાથ ધરાઇ છે. જે હવે પૂર્ણતાના આરે છે.

નલ સે જલ અભિયાનની શરૂઆત થઇ ત્યારે ૭૧ ટકા ગ્રામીણ વિસ્તારોમાં જ નળ થી જળ પહોંચતું હતું. વળી રાજ્યના એક પણ જિલ્લા સંપૂર્ણપણે ૧૦૦ ટકા નળ થી જળ મેળવતા હતા નહીં. પરતું જલ જીવન મિશન અંતર્ગતના નલ થી જલ અભિયાનના પરિણામે આજે રાજ્યના ૧૬ જિલ્લાઓ સંપૂર્ણપણે ૧૦૦ ટકા નલ થી જલ અંતર્ગત શુધ્ધ પીવાનું પાણી મેળવતા થયા છે. આ ૧૬ જિલ્લાઓમાં આણંદ, ભાવનગર, બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, ખેડા, મહેસાણા, મોરબી, પાટણ, પોરબંદર, રાજકોટ અને વડોદરાનો સમાવેશ થાય છે.

જલ જીવન મીશનનો ઉદ્દેશય દરેક ગ્રામીણ ઘરને નિયમિત, શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં નિયત ગુણવત્તાનો પીવાના પાણીનો પુરવઠો લાંબા ગાળા સુધી ઉપલબ્ધ કરાવવીને નાગરિકોના જીવનધોરણમાં સુધારો લાવવાનો છે. જલ જીવન મિશન અંતર્ગત લાંબાગાળાના પીવાના પાણીના સ્રોતો માટે પણ કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ગ્રે-વોટર મેનેજમેન્ટ, જળ સંરક્ષણ, રેઈન વોટર હાવેર્સ્ટિંગ દ્વારા રિચાર્જ અને પાણીના પુનઃ ઉપયોગ થકી પાણીની ભવિષ્યની જરૂરિયાતને પહોંચી વળવા ટકાઉ સ્રોતોનું આયોજન કરવામાં આવ્યું છે. જલ જીવન મિશન હેઠળ પીવાના પાણી માટેના લોકભાગીદારીના અભિગમ પર આધારિત છે અને લોકોને મિશન અંતર્ગત સહભાગીઓને યોજના વિશે વિસ્તૃત માહિતી, શિક્ષણ અને પ્રચાર પ્રસાર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે નલ સે જલ યોજના અંતર્ગત રાજ્યના એક એક ઘર સુધી પાણી પહોંચાડવાની બાબતમાં ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીએ અગ્રેસર રહ્યુ છે. રાજ્યના ૯૬.૫૦ ટકા ઘરોને નળ થી જોડાણ આપીને દેશના મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર છે. રાજ્યના કુલ ૯૧.૭૭ લાખ ઘરોમાંથી ૮૮.૫૬ લાખ ઘરોને નલ સે જલ યોજના અંતર્ગત નળ જોડાણ આપવામાં સફળતા મળી છે.