જુનાગઢમાં લીલા દુષ્કાળની સ્થિતિ

સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડેલ ભારે વરસાદને કારણે જાનમાલને નુકસાન થયું છે, ત્યારે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી સહાયની માંગ કરી છે. સાથે જ ઘેડ વિસ્તારમાં વર્ષોની માંગણી છતાં પણ તળાવ અને નદીના બાકી રહેલ કામ પૂર્ણ ના થતા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘેડપંથકમાં પાણી ભરાયા હોવાનો આક્ષેપ મોઢવાડિયાએ કર્યો છે. સાથે જ દાવો કર્યો છે કે જુનાગઢ મહાનગરપાલિકામાં ભાજપ શાસનમાં થયેલ દબાણના કારણે પાણીનો કુદરતી નિકાલ ના થયો અને ૨૦૦ કરોડનું નુકસાન થયું.

બિપરજોય વાવાઝોડા અને ત્યારબાદ અતિ ભારે વરસાદને કારણે ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં નુકસાની જોવા મળી રહી છે. અનેક જગ્યાઓ પર ખેતરોમાં પાણી ભરેયલા છે તો ખેડૂતોએ વાવણી કર્યા બાદ વરસાદથી પુનઃ વાવણી કરવી પડે એવી સ્થિતિ છે. કોંગ્રેસ નેતાઓએ પૂરગ્રસ્ત અને અતિવૃષ્ટિવાળા વિસ્તારોની મુલાકાત કરી હતી. મુલાકાત બાદ કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી અનુરોધ કર્યો છે કે ઘેડ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી પાણી ભરાયેલા છે. ત્યાંનાં ગામડાઓમાં NDRFની ટીમો મોકલીને તાકીદે મેડિકલ સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવે.

છેલ્લા ૧૦-૧૫ દિવસથી પાણી ભરાયેલા હોવાના કારણે પશુઓ ઘાસચારા વિનાના છે, ત્યાં તાકીદે સૂકો ઘાસચારો રાહત દરે વન વિભાગ મારફતે પૂરો પાડવામાં આવે. મોઢવાડિયાએ વધુમાં જણાવ્યુ કે ઘેડ સહિત રાજ્યના સમગ્ર પુરગ્રસ્ત વિસ્તારોમાં ભારે વરસાદને કારણે રોજીરોટી ગુમાવનારને ૧ મહિનાનું કેશ ડોલ્સ તથા ઘરવખરીને થયેલ નુકસાન પેટે વળતર આપવામાં આવે. ઘેડ વિસ્તારની નદીઓ, કેનાલો અને તળાવો ઊંડા અને પહોળા કરવામાં આવે. જે જિલ્લાઓમાં વાવેતર નિષ્ફળ ગયું છે તે તમામ ખેડૂતોને કપાસ, મગફળી, સોયાબીન, જુવાર સહિતના બિયારણ વિનામૂલ્યે પૂરા પાડવામાં આવે અને બને એટલી જલ્દી સર્વે કામગીરી પૂર્ણ કરવામાં આવે. જુનાગઢ શહેરમાં ભારે વરસાદ બાદ જે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે એ બાબતને લઈ મોઢવાડિયાએ દાવો કર્યો છે કે મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારને કારણે વોંકળા અને નાળાઓ પર દબાણ થવાને કારણે જુનાગઢ જળબંબાકાર થયું છે. ત્યાં વોંકળા અને નાળા સાફ કરવામાં આવે. ભાજપ શાસનમાં જુનાગઢ શહેરમાં આડેધડ દબાણ થતા પાણીનો કુદરતી નિકાલ નથી થઈ શક્યો અને એના જ કારણે જુનાગઢમાં વરસાદી તારાજી સર્જાઈ. ભાજપના ભ્રષ્ટાચારના કારણે જુનાગઢને ૨૦૦ કરોડનું નુકસાન થયું હોવાનું દાવો મોઢવાડિયાએ કર્યો અને માગ કરી કે જે પણ શહેરમાં કુદરતી રીતે પાણીનો નિકાલ નથી થતો અને વહેણ પાસે દબાણો થયા છે એના અભ્યાસ માટે સ્પેશિયલ ટેક્નિકલ ટીમ બનાવી અભ્યાસ થવો જોઈએ.