મોરબીના ઘુંટુ રોડ પર સ્થિત પેપરમિલો દ્વારા ફેલાવાતા વાયુ પ્રદુષણ સામે જીપીસીબીની કાર્યવાહી, નમૂનાઓ પરીક્ષણ માટે મોકલાયા

મોરબીના ઘુંટુ રોડ પર આવેલી પેપરમિલો વાયુ પ્રદુષણ ફેલાવતી હોવાની ઘટના ધ્યાનમાં આવતા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી દ્વારા સઘન ચેકિંગ કરી કાર્યવાહી કરવામાં આવી છે. વિગત પ્રામણે મોરબીના ઘુંટુ રોડ પર આવેલી રોલ્ટાસ અને અંબાણી પેપરમિલ દ્વારા બિનજવાબદાર રીતે વાયુ પ્રદુષણ ફેલાવવામાં આવતા સ્થાનિકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યાં હતા. જેથી સ્થાનિકોએ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં રજૂઆત કરવામાં આવી હતી.

સ્થાનિકો દ્વારા રજૂઆત બાદ જીપીસીબી દ્વારા તુર્તજ કાર્યવાહી આરંભી દેવાઇ હતી, જે અંતર્ગત મોરબી જીપીસીબીના પ્રાદેશિક અધિકારી કે. બી. વાઘેલાએ પોતાની તપાસનીસ ટીમ સાથે રોલ્ટાસ અને અંબાણી પેપરમિલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. સઘન તપાસ બાદ જીપીસીબી દ્વારા પ્રદુષિત કચરાના બે ટ્રેક જપ્ત કરી પ્રદુષણ ફેલાવતા વાયુના નમૂના લઇ કાર્યવાહી હાથ ધરી છે. વાયુ પ્રદુષણના નમૂનાઓ લઇને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે.

આ અંગે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી કે. બી. વાઘેલાએ જણાવ્યું હતુ કે અંબાણી પેપરમીલના પ્લાસ્ટિકના કચરો ભરેલા બે ટ્રકને ઝડપી લેવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાનો રિપોર્ટ ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવ્યો છે. જરૂરી પુરાવા મળ્યા બાદ પ્રદુષણ નિયંત્રણ બોર્ડના નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી તરફ આ ઘટનાઓ ન ફરીથી ન બને તે માટે ચાંપતી નજર રાખવા માટેના આદેશ આપવામાં આવી દેવાયા છે.