ગાંધીનગર મનપાના સફાઈ કામદારોના ધરણાં

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહાનગરપાલિકા દ્વારા સફાઈની જવાબદારી સંભાળવામાં આવે છે. સેકટર ૧થી ૩૦ની સાથે હવે નવા વિસ્તારોમાં પણ કોર્પોરેશન દ્વારા એજન્સી મારફત સફાઈની કામગીરી કરાવવામાં આવી રહી છે. ગાંધીનગરમાં તો બે ઝોનમાં સફાઈની વહેંચણી કરવામાં આવી છે. આ એજન્સી ભાજપના જ એક નેતાની હોવાથી તેમાં ઘણા સમયથી ચાલતી લાલીયાવાડી સામે કોર્પોરેશનનું તંત્ર કોઈ જ પગલાં ભરી શકતું નથી. જેની સીધી અસર શહેરની સફાઈ ઉપર થઈ રહી છે. એટલું જ નહીં સફાઈની કામગીરી સંભાળતાં કામદારોને પણ સમયસર પગાર ચુકવવામાં આવતો નથી. આ મામલે કામદારોએ અનેકવાર કોર્પોરેશન તંત્રને રજુઆત કરી હોવા છતાં આ એજન્સી સામે કોઈ પગલાં ભરાયા નથી. જેથી  નાછુટકે ફરીવાર કામદારો કોર્પોરેશનની કચેરીએ પહોંચી ગયા છે. આ અંગે કામદારોએ રજૂઆત કરી છે કે, કામદાર દ્વારા એક દિવસની રજા પાડવામાં આવે તો તેના બે દિવસનો પગાર કાપી લેવામાં આવે છે.

સ્માર્ટ વોચ આપવાના કારણે સફાઈ કામદારોને નહીંવત પગાર જ મળી રહયો છે. છેલ્લા ત્રણ મહિનાથી નહીંવત પગાર મળવાના કારણે કામદારોના પરિવારોની આર્થિક હાલત પણ નબળી પડી ગઈ છે ત્યારે આ પ્રશ્નનો સત્વરે ઉકેલ લાવવામાં આવે તે જરૃરી છે. આ સિવાય કામદારોએ ભથ્થા તેમજ કામના કલાકો મુજબ વેતન પણ એજન્સી દ્વારા અપાતું નથી. આ સિવાય રીશેશ પણ આપવામાં આવતી નથી અને કુદરતી ક્રિયાઓ માટે સફાઈ કામદારો જાય તો પણ પગાર કાપી લેવામાં આવી રહ્યો છે. જ્યારે મહિલા કામદારો સાથે પણ અપશબ્દો વાપરીને અપમાનિત કરાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં એક પણ એજન્સી દ્વારા મેડિકલ ચેકઅપ પણ સફાઈ કામદારોનું કરવામાં આવ્યું નથી.

મહિલા કામદારોને મેટરનિટી લીવ પણ એજન્સી આપતી નથી. તેમજ વીમા કવચ તેમજ બાળકોના ભણતરની કે કોઈ યોજનાના લાભો પણ મળતા નથી. જેથી આજે ફરીવાર સફાઈ કામદારોએ મ્યુનિસિપલ કમિશનર રજૂઆત સાથે માંગણી કરવામાં આવી છે.ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સફાઈની કામગીરી સંભાળતા સફાઈ કામદારો પડતર માંગણીઓ લઈને આજે ફરીવાર મનપાના પ્રાંગણમાં એકઠા થઈને રામધૂન બોલાવી ન્યાય માટે ધરણાં પર બેસી ગયા છે. વારંવાર પડતર માંગણીઓને રજૂઆત કરાઈ હોવા છતાં મનપા તંત્ર દ્વારા એજન્સી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ભાજપ નેતાની એજન્સીએ સફાઈ કામદારો લઘુ શંકા કરવા જાય તોય પગાર કાપી લઈને શોષણ કરવામાં આવતાં હોવાના પણ ગંભીર આક્ષેપો કામદારો દ્વારા કરાયો છે.