દેશમાં એક પણ નેશનલ હાઇ-વેની આસપાસ સરખી રીતે વૃક્ષો કે ફૂલછોડ લગાવાયા નથીઃ ગડકરી

નીતિન ગડકરીએ પોતાની જ સરકારની કામગીરી સામે ફરી બળાપો કાઢયો છે. આ વખતે મુદ્દો નેશનલ હાઈવેની આજુબાજુમાં ઉગાડાતા વૃક્ષ તથા ફૂલછોડનો છે. ગડકરીએ શુક્રવારે એક વચ્ર્યુઅલ કાર્યક્રમમાં બળાપો કાઢયો કે, દેશમાં એક પણ નેશનલ હાઈ-વેની બંને તરફ સરખી રીતે વૃક્ષો કે ફૂલછોડ નથી લગાવાયાં.

ગડકરીએ કહ્યું કે, રોડ-રસ્તાના નિર્માણનો એક્સપર્ટ વૃક્ષો-ફૂલછોડનો એક્સપર્ટ કઈ રીતે હોઈ શકે એ મને સમજાતું નથી પણ અધિકારીઓ આ વાત સમજવા તૈયાર નથી. ગડકરીએ પીએમઓ પર કટાક્ષ પણ કર્યો કે, નોકરશાહી કશું પણ નવું સ્વીકારવા તૈયાર નથી હોતી તેથી દેશમાં ‘હરિત પથ’ કહેવાય એવો એક પણ નેશનલ હાઈવે નથી.

સૂત્રોનું કહેવું છે કે, ગડકરીએ દરેક રાજ્યમાં નેશનલ હાઈવેની બંને તરફ વૃક્ષો લગાવવા માટે સ્થાનિક કૃષિ નિષ્ણાતોને નોકરીએ રાખવા માટે કોન્ટ્રાક્ટરોને આદેશ આપ્યો હતો. હાઈવેના કોન્ટ્રાક્ટ્‌સ મોટી મોટી કંપનીઓને મળે છે. તેમણે આ વાતનો વિરોધ કરીને પીએમઓ સમક્ષ ફરિયાદ કરી હતી. પીએમઓના અધિકારીઓએએ આ દરખાસ્તને અવ્યવહારૂ ગણાવીને નકારી કાઢી તેનો ગડકરીને ગુસ્સો છે.