કમોસમી વરસાદને કારણે ફ્રૂટના ભાવ આસમાને પહોંચ્યા, ૨૦થી ૩૦ ટકા ભાવવધારો થયો

રાજ્યમાં કમોસમી વરસાદના કારણે કૃષિ પાક અને બાગાયતી પાકને નુકસાન થયું છે અને આવક ઘટી છે. તો બીજી તરફ, ચૈત્રી નવરાત્રી અને રમઝાન ચાલી રહ્યો છે. તેને કારણે ફળફળાદિની માગમાં વધારો થયો છે. કમોસમી વરસાદની અસર શાકભાજી અને ફ્રૂટ માર્કેટ પર જોવા મળી છે. વધુ માગ અને ઓછી આવક સામે ભાવવધારો થયો છે. કમોસમી વરસાદને કારણે ફ્રૂટના ભાવ ૨૦થી ૩૦ ટકા વધી ગયા છે. કેરીના આવકમાં ૫૦ ટકા ઘટાડો થયો હતો. ત્યારે ગુજરાતમાંથી આવતા કેરી, તરબૂચ, દ્રાક્ષ, ચીકુ, કેળાની આવક પર પણ કમોસમી વરસાદની અસર જોવા મળી છે ફ્રૂટ માર્કેટના વેપારી રમેશભાઈ મારવાડીએ જણાવ્યુ હતુ કે, ‘કમોસમી વરસાદ પડવાના કારણે કેરીની આવકમાં ૫૦થી ૬૦ ટકા ઘટાડો છે. આ સાથે ગુજરાતમાંથી આવતા ફળ પર અસર પડી છે. ભાવમાં પણ ૨૦થી ૩૦ ટકા વધારો થયો છે. લોકો ફ્રૂટ લેવા આવે તો છે. પરંતુ કિલો ફ્રૂટ લેવા આવનારા અડધો કિલો લઈને જાય છે.’ એક કિલો દ્રાક્ષ ૮૦થી ૧૦૦ રૂપિયા છે. જ્યારે મોસંબી ૫૦૦થી ૬૦૦ની બોરી છે. તેમજ તરબૂચના એક કિલોના ભાવ ૧૫થી ૨૦ રૂપિયા છે. તેમજ સફરજનના કિલોના ભાવ ૧૫૦થી ૧૮૦ રૂપિયા છે. તો ચીકુના ભાવ ૫૦થી ૬૦ રૂપિયા અને દાડમના કિલોના ભાવ ૧૦૦થી ૧૫૦ છે. જ્યારે બેંગ્લોરની હાફૂસ કેરી ૪૦૦ રૂપિયા એક ડઝન છે. જ્યારે રત્નગિરી હાફૂસ એક ડઝનના ૮૦૦ રૂપિયા છે અને કેસર કેરી ૯ કિલો બોક્સના ૧૦૦૦થી ૧૫૦૦ રૂપિયા છે. રાજેશ્વરીબેને જણાવ્યું હતું કે, ‘ફ્રૂટના ભાવમાં વધારો થયો છે. તહેવારો ચાલી રહ્યા છે. ચૈત્રી નવરાત્રી કરી રહ્યા છીએ પણ ફ્રૂટના ભાવ સાંભળીને જ લેવાની ઈચ્છા ન થાય અને કમોસમી વરસાદના કારણે અસર ફ્રૂટ માર્કેટ જોવા મળી છે.’ સફરજન, કેલિફોર્નિયા દ્રાક્ષ, ઓરેન્જ, કિવી સહિતના ફ્રૂટ ગુજરાત બહારથી આવી રહ્યા છે. તેને લીધે ભાવ ઊંચા હોય છે. ગુજરાતમાંથી આવતા ફ્રૂટ પર કમોસમી વરસાદનું ગ્રહણ લાગ્યું છે. તેથી આવક ઓછી થઈ છે અને ભાવ આસમાને પહોંચ્યા છે.