આગામી દિવસોમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતને અસર કરી શકે: હવામાન વિભાગ

રાજ્યનું હવામાન આગામી ૪ દિવસ સૂકું રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં પાછલા કેટલાક દિવસોથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચોમાસા જેવો માહોલ બનેલો હતો. પરંતુ ગઈકાલથી માવઠાથી રાહત મળી છે. આગામી દિવસોમાં પણ વરસાદ નહીં થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જોકે, આ સાથે ગરમીનું પ્રમાણ પણ વધવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા જે સેટેલાઈટ તસવીર રજૂ કરવામાં આવી છે તેમાં પણ ગુજરાતનો ભાગ વાદળોથી મુક્ત જોવા મળી રહ્યો છે. પરંતુ આગામી દિવસોમાં ફરી એકવાર માવઠાનો માર રાજ્ય પર પડવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યમાં તારીખ ૨૬થી ૩૦મીની સવાર સુધી હવામાન સાફ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. શનિવારે અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક વિજીનલાલે આગાહી કરીને જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની સંભાવના નથી.

જોકે, પાંચમા દિવસ વધુ એક સર્ક્‌યુલેશન આવી રહ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા માર્ચ મહિનાની શરુઆતમાં માવઠાનો માર પડવાની આગાહી કરવામાં આવી છે. તેમણે આ વર્ષ વિષમ હવામાનવાળું રહેવાની શક્યતા વ્યક્ત કરીને મે મહિનામાં આંધી અને વંટોળવાળું વાતાવરણ રહેવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરી હતી. માવઠાના કારણે ખેડૂતો પરેશાન છે. ૫ દિવસની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાવામાં આવી છે જેમાં મહત્તમ તાપમાનમાં ૩-૪ ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે લઘુત્તમ તાપમાનમાં પણ ૨-૩ ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. સાઈક્લોનિક સર્ક્‌યુલેશનના લીધે વાતાવરણમાં જે ભેજ છે તે દૂર થતા ગરમીનું પ્રમાણમાં વધારો થશે.