અમદાવાદની તક્ષશિલા એર ફ્લેટના ૧૨મા માળે આગ

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા તક્ષશિલા એર ફ્લેટના ૧૨મા માળે વહેલી સવારે આગ લાગી હતી. ફાયરબ્રિગેડની ૧૧ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. એક કલાકમાં જ ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ઘરના તમામ સભ્યો અને રહીશો આગ લાગતાં જ ઘરની બહાર નીકળી ગયા હતા. ફાયરબ્રિગેડ દ્વારા આગ બુઝાવી કૂલિંગની પ્રક્રિયા હાથ ધરી હતી

ઇલેક્ટ્રિક ડકમાં ધુમાડા નીકળતા હોવાથી શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. ધુમાડાને કારણે બે વૃદ્ધને શ્વાસ લેવામાં તકલીફ પડતાં તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. વહેલી સવારે ૬ વાગ્યાની આસપાસ ફાયરબ્રિગેડ કંટ્રોલરૂમમાં મેસેજ મળ્યો હતો કે એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા તક્ષશિલા એર ફ્લેટના ૧૨મા માળે આવેલા મકાનમાં આગ લાગી છે, જેથી ફાયરબ્રિગેડના અધિકારીઓ સહિત ૧૧ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે દોડાવવામાં આવી હતી. આગ લાગતાં લોકો ફ્લેટમાંથી નીચે ઊતરી ગયા હતા. જે મકાનમાં આગ લાગી હતી એ ઘરના સભ્યો પણ બહાર નીકળી ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી એક કલાકમાં આગને કાબૂમાં લીધી હતી. આગને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક બહાર દોડીને આવ્યા હતા અને લોકોને ઘરની બહાર નીકળવા માટે એકબીજાને બૂમો પાડીને જાણ કરી હતી. ફ્લેટની ઇલેક્ટ્રિક ડોકમાં ખૂબ જ ધુમાડો થઈ ગયો હતો અને જ્યારે લોકો ૧૨મા માળેથી બહાર આવ્યા ત્યારે મકાનમાં આગ લાગેલી હતી. ૧૨મો માળ આખો આગની ઝપેટમાં આવી ગયો હતો. જોકે આ સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. હાઈરાઇઝ બિલ્ડિંગોમાં આ રીતે આગ લાગવાની ઘટના બનતાં સ્થાનિકોમાં પણ ભય ફેલાયો હતો. ગત ૭ જાન્યુઆરીની સવારે ૭ઃ૨૮ વાગ્યે શાહીબાગ ગિરધરનગર સર્કલ પાસે આવેલા ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં સાતમા માળે મકાનમાં આગ લાગી હતી. ફાયરબ્રિગેડને જાણ કરાતાં રેસ્ક્યૂ વાહનો અને એમ્બ્યુલન્સ સાથે ૧૫ ગાડી રવાના કરવામાં આવી હતી.

ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યૂબિકલ સાથે તેમણે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયત્ન શરૂ કર્યા હતો. ઘરમાં રહેલા પરિવારના ચારમાંથી ત્રણ સભ્ય બહાર નીકળી ગયા હતા, પરંતુ એક રૂમમાં ૧૫ વર્ષીય પ્રાંજલ ઉર્ફે પ્રાચી નામની તરુણી આગમાં ફસાઈ ગઈ હતી, જેથી ફાયરબ્રિગેડના જવાનોએ તેને બચાવવા માટેની કવાયત શરૂ કરી હતી. ફાયરની ટીમને ઘરમાં જવાનો રસ્તો ના મળતાં આઠમા માળેથી એક માણસને દોરડું બાંધીને સાતમા માળે ઉતારવામાં આવ્યો હતો. સાતમા માળે ફાયરના જવાનો દ્વારા આગ બુઝાવવામાં આવી રહી હતી. ૩૦ મિનિટ જેટલો સમય આગ બુઝાવવામાં થયો. ત્યાર બાદ પ્રાંજલ દાઝેલી તથા બેભાન અવસ્થામાં હતી. પ્રાંજલને ગોડદામાં લપેટીને ફાયરના જવાનો દ્વારા ૧૦૮ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં ડોક્ટરે પ્રાંજલને મૃત જાહેર કરી હતી.