મુંબ્રા હૉસ્પિટલમાં આગઃ યુવકની બહાદુરીને કારણે નવ જણના જીવ બચ્યાં

કૌસામાં આવેલી ખાનગી હૉસ્પિટલમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી ત્યારે ફરહાન અંસારી નામના યુવક અને તેના મિત્રોની હિંમત અને ચપળતાને કારણે નવ દર્દીઓના જીવ બચી ગયા હતા. રોઝા હોવાથી વહેલા ઉઠેલા આ યુવકો હૉસ્પિટલ નજીક રહેતા હોવાથી તેમને આગની જાણ થતા તેઓએ બચાવ કામગીરી હાથ ધરતા મોટા પ્રમાણમાં જાનહાનિ ટળી હતી.

બુધવારે સવારે પ્રાઈમ ક્રિટિકેર હૉસ્પિટલમાં આગ લાગી ત્યારે તેની પાછળની ચાલીમાં રહેતો સ્થાનિક યુવક વ્યવસાયે ઍડવોકેટ ફરહાન અંસારી રોઝા રાખતો હોવાથી વહેલો ઊઠયો હતો અને ઘરની બહાર નીકળ્યો ત્યારે તેને હૉસ્પિટલ પાસેથી ધુમાડો નીકળતો અને મહિલાઓની બૂમાબૂમ સંભાળઈ હતી, તેથી તેણે તુંરત હૉસ્પિટલ તરફ દોડ મૂકી હતી અને તેણે હૉસ્પિટલની સિડી પાસે આગ લાગેલી જાેઈ હતી. તેણે આગ બુઝવવાનો પ્રયાસ કર્યો હતો પણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

આ દરમિયાન ફરહાનની મદદે મોહસીન, નાવેદ શેખ, અલ્તામ ખાન અને અફાન ઢોલે નામના યુવકો દોડી આવ્યા હતા. તમામ યુવકોએ મદદ કાર્ય ચાલુ કરી દીધું હતું અને હૉસ્પિટલની અંદર રહેલા દર્દીઓને બચાવવા માટે આઈસીયુમાં વોર્ડમાં રહેલી ગ્રીલ તોડી કાઢી હતી અને ત્યાં રહેલા દર્દીઓેને બહાર કાઢ્યા હતા.

આઈસીયુમાંથી દર્દીને બહાર કાઢ્યા બાદ હૉસ્પિટલમાં અને હૉસ્પિટલના પરિસરમાં મૂકવામાં આવેલા ૩૫ ઑક્સિજનના સિલિન્ડર પણ ઊંચકીને તેઓ બહાર લઈ આવ્યા હતા. અન્યથા આગને કારણે સિલિન્ડર બ્લાસ્ટ થવાની પણ શક્યતા હતી અને તેને કારણે મોટું અનર્થ થતા ટળી ગયું હતું.