અમદાવાદના રાયપુરના સહયોગ મિલ કમ્પાઉન્ડમાં ભીષણ આગ

અમદાવાદના રાયપુર બિગ બજાર પાસે આવેલી સહયોગ મિલ કમ્પાઉન્ડમાં આગ લાગવાની ઘટના બની હતી.  આગ સમયે મિલ કમ્પાઉન્ડના ઓફિસની ઇમારતમાં મિલના કોર્ટ કેસના જરૂરી પેપર, હિસાબના રજિસ્ટર, પગાર બુક, એન્ટ્રી બુક જેવા ઓફિસને લગતા રજીસ્ટર મુકેલા હતા. મિલની જગ્યાનો કેસ હાલ કોર્ટમાં ચાલે છે તેમજ મેટર પેન્ડિંગ છે. આગના આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે હજુ સુધી આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. બે દિવસ પહેલા પણ શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આગનો બનાવ બન્યો હતો.

ગુજરાત કોલેજ પાસે આવેલી વોલ સ્ટ્રીટ-૨ નામની બિલ્ડિંગમાં બી વિંગના ચોથા માળે ઓફીસ નંબર ૪૦૫ અને પાંચમા માળે ૫૦૫માં મેડિસ્ક્રાઈબ ઈન્ફોટેક એલ.એલ.પી.ની ઓફીસમાં આગ લાગી હતી. ઘટનાને પગલે ફાયરબ્રિગેડની કુલ ૧૨ જેટલી ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. એક કલાકની અંદર ફાયરની ટીમ દ્વારા આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. ઘટના સ્થળે પોલીસ સ્ટાફ અને ટોરેન્ટ પાવર સ્ટાફને જાણ કરવામાં આવી હતી. જ્યારે સાંજના સમયે એસવીપી હોસ્પિટલમાં ચોથા માળે આવેલા આઈસીયુના એસીના ડકમાં કચરામાં આગ લાગી હતી. આ આગનો ધુમાડો પાંચમા અને છઠ્ઠા માળ સુધી પહોંચ્યો હતો.

ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ચારથી વધુ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ આગને કાબૂમાં લઇ લેવામાં આવી છે. તમામ દર્દીઓ સહી સલામત છે, કોઈ જાનહાનિ થઈ નથી.