પીપોદરા જીઆઈડીસીમાં પ્લાસ્ટિક વેસ્ટેજ ગોડાઉનમાં ભીષણ આગ

ગુજરાતમાં ઠેરઠેકાણે ક્યાંક ને ક્યાંક તમે સાંભળ્યું હશે કે આ જગ્યાએ આગ લાગી, કારમાં આગ લાગી, મકાનમાં આગ લાગી, દુકાનમાં આગ લાગી. આગની ઘટના જાણે સામાન્ય બાબત બની ગઈ હોય તેમ રોજબરોજ આ વાંચવા, સાંભળવા મળે છે કે ક્યાંકને ક્યાંક આગના બનાવ બની રહ્યા છે ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા પીપોદરા જીઆઇડીસીમાં ભીષણ આગ લાગવાની ઘટના બનતા વિભાગ દોડતું થયું હતું. આગ એટલી ભીષણ હતી કે, ત્રણથી ચાર કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટે ગોટા દેખાતા હતા. આગ જોત જોતામાં એટલી પ્રસરી હતી કે, આખા ગોડાઉનને લપેટમાં લઇ લીધું હતું.

સદ્‌નસીબે અત્યાર સુધી કોઇ જાનહાનીના સમાચાર મળ્યા નથી. પરંતુ આગ ઉપર કાબૂ મેળવવામાં ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. આગ પ્લાસ્ટિકના વેસ્ટેજ ગોડાઉનમાં લાગી હોવાનું જાણવા મળતાં સમગ્ર જિલ્લા અને કામરેજ સહિતની ફાયર વિભાગની ગાડીઓ આગ ઉપર કાબૂ મેળવવા માટે પહોંચી હતી.

જીઆઈડીસીમાં આવેલા વેસ્ટેજ ગોડાઉનમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. સુરત જિલ્લાની તમામ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ અન્ય ખાનગી કંપનીઓની ગાડીઓ પણ આગ ઉપર કાબૂ મેળવવા માટે ઘટના સ્થળ પર પહોંચીને કામગીરીમાં જોતરાઈ ગઈ છે. આગ લાગવાનું કારણ સત્તાવાર રીતે હજુ જાણવા મળ્યું નથી. પરંતુ કલાકોની જહેમત બાદ પણ હજુ સુધી આગ ઉપર કાબૂ મેળવાયો નથી. ‘

પ્લાસ્ટિકનું ગોડાઉન હોવાને કારણે ફાયર વિભાગને પણ આગ નિયંત્રણમાં લેવાનું ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે. તેમજ પવનનું જોર હોવાથી આગ ઉપર સ્વાભાવિક રીતે જ ઝડપથી કાબૂ મેળવી શકાયો નથી. પ્લાસ્ટિક હોવાને કારણે આગ સતત ભભૂકી રહી છે. ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. ભીષણ આગ હોવાને કારણે જીઆઇડીસીની આસપાસની મિલોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.