દેશમાં ભીષણ પૂરથી ભારે વિનાશ : નેપાળમાં ૪૩નાં મોત

નેપાળમાં વીતેલા ત્રણ દિવસથી મુશળધાર વરસાદ થઈ રહ્યો છે. પૂર અને ભેખડો ધસી પડવાની ઘટનાઓ ૪૩ લોકોનો ભોગ લઈ ચૂકી છે. દેશમાં ૩૦ લોકો લાપતા પણ છે. પોલીસ પ્રવક્તા બસંત કનવરે જણાવ્યું હતું કે, પહાડી વિસ્તારોમાં ભેખડો ધસી પડવાથી ઘાયલ થયેલા બે ડઝનથી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. કાઠમંડુથી ૩૫૦ કિ.મી.ના અંતરે આવેલું સેતી ગામ તારાજ થઈ ચૂક્યું છે. ખરાબ હવામાનને કારણે પહાડી વિસ્તારના આ ગામના ફસાયેલા ૬૦ લોકો સુધી તંત્ર હજી પહોંચી શક્યું નથી. દેશમાં બુધવારે પણ બચાવ અને રાહત કામગીરી ચાલી રહી હતી. કેરળના અનેક જિલ્લામાં મુશળધાર વરસાદ થયો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં કુલ ૨૭ લોકોનાં મૃત્યુ નોંધાયા છે. કેટલાક લોકો લાપતા હોવાના પણ અહેવાલ છે. રાજ્યમાં ૧થી ૧૯ ઓક્ટોબર વચ્ચે ૧૩૫ ટકા વરસાદ થયો છે.

સામાન્ય સંજોગોમાં આ સમયગાળામાં ૧૯૨.૭ મિ.મિ. વરસાદ થયો હોય છે, પરંતુ આ વર્ષે ૪૫૩. ૫ મિ.મિ. વરસાદ નોંધાયો હતો.કેરળમાં ૨૦ ઓક્ટોબરથી હજી ત્રણ દિવસ સુધી વરસાદ થઈ શકે છે.દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરે કહેર સર્જ્‌યો છે. તેમાંય ઉત્તરાખંડ અને કેરળમાં ભારે પૂરે બારે તબાહી સર્જી છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને પૂરે મંગળવારે જ ૪૨ લોકોનો ભોગ લીધો હતો.

વાદળો ફાંટતાં અને ભેખડો ધસી પડતાં વિસ્તારમાં મોટાપાયે તબાહી સર્જાઈ છે. સંખ્યાબંધ લોકો હજી પણ કાટમાળ નીચે દટાયેલા છે. ઉત્તરાખંડમાં અત્યારસુધીમાં કુલ ૪૭ લોકો મૃત્યુ પામ્યા છે તો ૧૧ લોકો હજી લાપતા છે. અલમોરા અને રાનીખેત જેવા વિસ્તારોનો સંપર્ક કપાઈ ગયો છે. અલમોડામાં ભેખડો ધસી પડતાં મકાન ધરાશાયી થતાં ત્રણ બાળકોનાં મૃત્યુ થયાં હતાં.ભેખડો ધસી પડતાં રસ્તાઓ બ્લોક થયેલા છે. રાજ્યના મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીએ ચારધામ તીર્થયાત્રીઓને તેઓ જ્યાં છે ત્યાં જ રહેવા અપીલ કરી છે. તેમણે અપીલ કરી છે કે, હવામાન સુધરે તે પહેલાં તીર્થયાત્રી યાત્રા શરૂ ના કરે. મુખ્યપ્રધાને બુધવારે સૌથી વધુ અસરગ્રસ્ત કુમાઉં ક્ષેત્રની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે, રાજ્યભરમાં પૂરને કારણે મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. સામાન્યવત સ્થિતિ સર્જાતા સમય લાગશે.

જોકે હવામાન વિભાગે આગાહી કરી છે કે, બુધવારથી વરસાદ ઘટે તેવી સંભાવના છે. સપ્તાહના બાકીના સમયમાં વરસાદની કોઈ આગાહી નથી. રાજ્યમાં બચાવ અને રાહત કામગીરી માટે એર ફોર્સના ધ્રુવ હેલિકોપ્ટર્સ તૈનાત છે.