ડાકોરમાં જાહેર માર્ગો ઉપર ગટરોનાં પાણી ઉભરાતાં ભારે હાલાકી

સમગ્ર ભારત દેશમાંથી વિવિધ સ્થળોએથી દૂર દૂરથી દર્શનાર્થીઓ ભગવાન રાજા રણછોડરાયજીના દર્શન કરવા માટે આવે છે. આ પાવન ધામમાં દર્શનાર્થીઓ ભારે ભક્તિમય વાતાવરણ વચ્ચે આવતા હોય છે. જેમાં મંદિરને જોડતા માર્ગોમાં છાસવારે ગટરો ઊભરાતી હોય છે અને તેમાંથી દુર્ગંધ વાળુ ગટરનું પાણી ડાકોરના મુખ્ય માર્ગો ઉપર ફરી વળે છે. જેને લઇને આવનારા યાત્રાળુઓ તથા ડાકોરના નાગરિકોમાં ભારે રોષ જોવા મળે છે. ધાર્મિક સ્થાનોમાં સ્વચ્છતાના બદલે ગંદકી જોવા મળતા ડાકોરના પાલિકા તંત્રની બેદરકારીભરી છબી લઈને યાત્રાળુ પોતાના વતનમાં પરત ફરે છે. હાલ આવી જ પરિસ્થિતિ રણછોડરાય ભગવાનની ગૌશાળા પાસે મંદિર જવાના મુખ્ય માર્ગ પર ઉભરાતી ગટરોના દુર્ગંધ વાળા પાણીથી સર્જાઈ છે. ડાકોર દર્શને આવનારા દર્શનાર્થીઓ તેમજ ડાકોરના નગરજનોને ગૌશાળાથી કંકુ દરવાજા સુધી ઉભરાતી ગટરોના દુર્ગંધયુક્ત પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. ડાકોરમાં દર્શન માટે ઉઘાડા પગે આવનાર યાત્રાળુઓને ગટરના દુર્ગંધવાળા ગંદા પાણીમાંથી ઉઘાડા પગે પસાર થવું પડે છે તથા નિત્ય પોતાના રાબેતાના જીવન માટે અવરજવર કરતા ડાકોરના સ્થાનિક નાગરિકોને પણ વારંવાર આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉભરાતી ગટરોથી સમગ્ર વાતાવરણમાં દુર્ગંધ ફેલાય છે. મહત્વની વાત તો એ છે કે આ રસ્તો ડાકોર નગર પાલિકાને પણ જોડતો રસ્તો છે. પાલિકામાં કામ કરવા માટે જતા કર્મચારીઓ, સત્તાધીશો, પ્રમુખ મેમ્બરો નાગરિકો સૌ કોઈ આ રસ્તેથી પસાર થાય છે. તેમ છતાં પણ ઉભરાતી ગટરોની સમસ્યાનું કાયમી સમાધાન આવતું નથી. વહેલી તકે ગટર લાઇનો સાફ કરાવીને ઉભરાતી ગટરો બંધ થાય તેવી ઉગ્ર માંગ પ્રબળ બની છે.