ભલે કામ ૫ દિવસ મોડું થાય, પણ જનતાને જવાબ તો આપવો જ પડશેઃ પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ
સુરત: સુરતના ઓલપાડ બેઠકના ધારાસભ્ય અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અધિકારીઓ અને પદાધિકારીઓ પર અકળાયા છે. પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે અધિકારીઓને ચેતવણી આપી દીધી છે કે પ્રજાની સમસ્યા સાંભળવી જ પડશે. પ્રજાની સમસ્યાઓનું સમાધાન થાય તે રીતે વર્તવું જ પડશે. ઓલપાડના ભાદોલ ગામે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે આ ચીમકી ઉચ્ચારી છે.
૧૦૭ કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્તમાં મુકેશ પટેલે સંબોધન કરતા કહ્યું કે, જનતાની રજૂઆત ન સાંભળનારા અને ફોન નહીં ઉચકનારા અધિકારીઓ તેમજ પદાધિકારીઓને જવાબ આપવો પડશે. ભલે કામ ૫ દિવસ મોડું થાય, પણ જનતાને જવાબ તો આપવો જ પડશે. જનતાના ફોન ન ઉપાડનારા અને યોગ્ય જવાબ ન આપનારા અધિકારીઓ તેમજ પદાધિકારીઓને તેમણે છેલ્લી ચેતવણી આપી છે. જો કોઈ અધિકારી કે પદાધિકારી જનતાના ફોન નથી ઉપાડતા તો તેમને જવાબ આપવો પડશે તેવુ પણ પર્યાવરણમંત્રી મુકેશ પટેલે જણાવ્યુ છે.