રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભરૂચના હાંસોટ ખાતે પર્યાવરણ દિનની ઉજવણી

વિશ્વ પર્યાવરણ દિવસ:પ્રકૃતિનું જતન અને પર્યાવરણની જાળવણી એ આપણી જવાબદારી

વર્ષ ૨૦૦૧થી ૨૦૨૧ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં દરિયાઈ જંગલોમાં ૧૩૪ ચો.કી.નો વધારો  થયો તે પૈકી ભરૂચ જિલ્લામાં  ૪૫ ચો.કી.ના ચેરના જંગલોમાં વધારો થયો

દીકરીના જન્મનો અવસર હોય કે જન્મ તિથિ હોય તે પ્રસંગે એક વૃક્ષ ઉછેરવું જોઈએ: મંત્રી મુકેશભાઈ પટેલ

ભરૂચઃ હાંસોટ તાલુકાના વમલેશ્વર ખાતે  રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આજના દિવસએ ભરૂચ જિલ્લા માટે ગૌરવાંતો છે,સમગ્ર ભારતમાં ઉજવાતો વિશ્વ પર્યાવરણ દિવસનો વિચાર વર્ષ ૧૯૫૨માં ભરૂચના પનોતા પુત્ર કનૈયાલાલ માણેકલાલ મુનશીએ આપેલ હતો.

વિશ્વ પર્યાવરણ દિવસ ૫ જૂન ૨૦૨૩ના રોજ દરિયા કિનારે નભતા અને રહેતા લોકો માટે “તવર (ચેર) દ્વારા દરિયાકાંઠે વસતા લોકોની દેખીતી આવક”માં વધારો થાય તે માટે “મિસ્ટી”(Mangrove Initiative for Shoreline Habitats & Tangible Income – MISHTI) યોજનાનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રારંભ કરાયો હતો.

ભરૂચ જિલ્લામાં વમલેશ્વર, કંટીયાજાળ, આંકલવા,સમની અને કતપોર, દહેજ અને કાવી – કંબોઈના પવિત્ર સ્થળ સુધી મેન્ગ્રુવ (તવર)ના જંગલો આવેલા છે. અહીંના સૂકા અને અર્ધસુકા પ્રદેશમાં જોવા મળતી મુખ્ય જાતો એવેશીનીયા મરીના, એવેશીનીયા આલ્બા અને એવેશેનીયા ઓફીથીનાલીઝ વગેરે જાતો ભરૂચના દરિયા કિનારે જોવા મળે છે.

વિશ્વ પર્યાવરણ દિવસના પ્રસંગે રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભગવાન શિવના સાનિધ્યમાં કે જ્યાં વિશ્વમાં એક માત્ર નદીમાં નર્મદાની પરિક્રમા પૂર્ણ થાય છે, તેવા સ્થળે જિલ્લા કક્ષાનો વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી થઈ રહી છે તે પણ ગૌરવ લેવા જેવી બાબત છે તેમ જણાવતા તેમણે ઉમેર્યું કે, દરેક ઘરમાં કે જ્યાં દીકરીના જન્મનો અવસર હોય કે જન્મ તિથિ હોય તે પ્રસંગે એક વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. આ ઉપરાંત દરેક ગામમાં એક નમો વન બને તેવી પણ મંત્રીએ ઈચ્છા વ્યક્ત કરી હતી. આવા ભગીરથ કાર્યમાં ઔધોગિક એકમો પણ પોતાનો માતબર ફાળો આપે તે પણ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલે વધુમાં ઉમેરતાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં તથા ભૂતકાળમાં અન્ય દેશમાં થયેલ સુનામી જેવી હોનારતને ધ્યાનમાં રાખી વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલ “મિસ્ટી” યોજનાને આગળ ધપાવતા રાજ્યમાં વાવેતર દ્વારા ચેરના જંગલોમાં ઉત્તરો- ઉત્તર વધારો જોવા મળે છે. ૨૦૦૧માં ૯૧૧ ચો.કી.થી ૨૦૨૧ સુધીમાં ૧૧૭૫ ચો.કી.ના ચેરના જંગલોનો વધારો સેટેલાઈટ નકશાઓ દ્વારા નોંધાયેલ છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં દરિયાઈ જંગલોમાં ૧૩૪ ચો.કી.નો વધારો ૨૦૦૧થી ૨૦૨૧ સુધીમાં નોંધાયેલ છે. જેમાં ભરૂચના ૪૫ ચો.કી.ના ચેરના જંગલોમાં વધારો થયો છે.

આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે ઉમેર્યું હતું કે, સમગ્ર એશિયામાં સૌ પ્રથમ વર્ષ ૨૦૦૯માં વડાપ્રધાને શરૂ કર્યું તે તેમની પર્યાવરણ પ્રત્યેનો સકારાત્મક અભિગમ વાચા આપી હતી. જેને આગળ ધપાવતા સોલાર રૂપ ટોપ યોજના, પાણીને રિસાયકલ કરવાની પહેલ, રીન્યુએબલ એનર્જી થકી કાર્બન ક્રેડિટ મેળવવાની વિવિધ યોજનાઓ પર્યાવરણને પૂર્વવત કરવા માટેના પગલાં મંત્રીએ ગણાવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં  જિલ્લાને કલાઇમેટ ચેંજના મોડલ તરીકે વિકસાવવાની નેમ વ્યક્ત કરી હતી. આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર તરફથી મંત્રીને જિલ્લાના દરિયા કિનારે ચેરના રોપા લગાવવાની ખાત્રી આપી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત મદદનીશ વન સંરક્ષણ આર ડી.જાડેજાએ કર્યું હતું. મહાનુભાવોને શાલ ઓઢાડી સફેદ ચંદનના રોપા આપીને સ્વાગત કર્યું હતું. આભારવિધિ આર એફ ઓ એસ યું ઘાંચીએ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો તથા ગામજનો દ્વારા વડાપ્રધાન તથા મુખ્યમંત્રીનો રાજ્ય કક્ષાના કાર્યક્રમને વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળયો હતો.