મહેસાણામાં ૩૧ માર્ચ સુધી સિંચાઈ માટે પાણી ચાલુ રાખવાની માંગ

મહેસાણામાં નર્મદા યોજના આધારિત કેનાલમાં સિંચાઈ માટે પૂરું પાડવામાં આવતું પાણી ૧૫ મી માર્ચથી બંધ કરવાની જાહેરાત સામે બેચરાજી વિધાનસભા મત ક્ષેત્રના ધારાસભ્ય ભરતજી ઠાકોરે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો છે.જો કેનાલમાં પાણી બંધ કરવામાં આવશે તો ખેડૂતોના પાક નિષ્ફળ જાય તેવી શંકા વ્યક્ત કરી છે ખેડૂતોના હિતમાં આગામી ૩૧મી માર્ચ સુધી કેનાલોમાં નર્મદા નું પાણી છોડવમાં આવે તેવી રજુઆત સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

નર્મદાની મુખ્ય કેનાલ માંથી પસાર થતી નાની મોટી માઇનોર સહિતની કેનાલ મારફત સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે. પરંતુ કેનાલોની મરામત તેમજ સફાઈ કામગીરી હાથ ધરવાની થતી હોય ૧૫મી માર્ચથી નર્મદા આધારિત સિંચાઈ માટે મળતું પાણી બંધ કરવાની સંબંધિત વિભાગે જાહેરાત કરી છે જેના કરણે હજારો ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

આ મામલે મહેસાણા જિલ્લાની બેચરાજી વિધાનસભા બેઠકના કોંગી ધારાસભ્ય ભરતજી ઠાકોરે વાંધો ઉઠાવ્યો છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી જણાવ્યું છે કે જો આમ કરવામાં આવશે તો બહુચરાજી તેમજ ચાણસ્મા પંથકમાં પાણી વિના સેંકડો ખેડૂતો ના પાક નિષફળ જાય તેવી સંભાવના છે જેથી ૩૧ માર્ચ સુધી કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવે તેવી માંગ કરી છે.