દિલ્હીની હવા ખરાબ થઇ, બે ગણું વધ્યો AQI, NGTએ નોટિસ પાઠવી માંગ્યો રિપોર્ટ

નવીદિલ્હી: દિલ્હીમાં ધીમે ધીમે ઠંડી વધી રહી છે, હવાની ગુણવત્તા પર પણ અસર જોવા મળી રહી છે. ગયા અઠવાડિયે મંગળવારે વરસાદને કારણે હવાની ગુણવત્તામાં સુધારો થયો હતો, પરંતુ હવે ફરીથી હવામાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે. જો આપણે દિલ્હીના એકંદર હવા ગુણવત્તા સૂચકાંક વિશે વાત કરીએ, તો તે શનિવારે ૨૬૬ હતો, જે નબળી ગુણવત્તાના સ્કેલ પર આવે છે. જા આપણે દિલ્હીના અન્ય વિસ્તારોની વાત કરીએ તો દરેક જગ્યાએ સ્થિતિ સમાન છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, AQIમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે, રવિવારે AQI ૨૯૭ સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગે દિલ્હીના ખરાબ વાતાવરણ અંગે ચિંતા વ્યક્ત કરી છે. વિભાગ અનુસાર, દશેરા પછી દિલ્હીની હવા વધુ પ્રદૂષિત થઈ જશે, જેના કારણે દિલ્હીમાં રહેતા લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. શુક્રવાર સુધી દિલ્હીનો AQI માત્ર ૧૦૮ પોઈન્ટ હતો, જે અચાનક વધીને ૨૬૬ થઈ ગયો છે.

જો દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં AQIની વાત કરીએ તો સૌથી ખરાબ સ્થિતિ દિલ્હી ધીરપુરમાં છે. અહીં AQI ૩૪૨ના સ્તરે પહોંચી ગયો છે. જે અત્યંત નબળા સ્તરે આવે છે. સૌથી ઓછું પ્રદૂષણ મથુરા રોડ પર જોવા મળ્યું હતું. જ્યાં AQI ૧૬૨ નોંધવામાં આવ્યો હતો. આ સિવાય અન્ય તમામ સ્થળોએ પ્રદૂષણનું સ્તર ખતરનાક જોવા મળ્યું છે.

બગડતા વાતાવરણને જોઈને NGT‌એ દિલ્હીના મુખ્ય સચિવ, કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય અને MCDના અધિકારીઓને નોટિસ પાઠવીને રિપોર્ટ માંગ્યો છે. નોટિસ મીડિયામાં પ્રકાશિત થયેલા સમાચારના આધારે NGT‌એ આ કેસની સુઓમોટો સુનાવણી કરી છે અને આ નોટિસ જારી કરવામાં આવી છે.

એનજીટીના અધ્યક્ષ જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ અને નિષ્ણાત સભ્ય એ. સેંથિલ વેલની બેન્ચે આ સમાચારને ધ્યાનમાં લીધા બાદ આ નોટિસ જારી કરી છે. આ દરમિયાન બગડતા વાતાવરણને કારણે લોકોને પડતી આરોગ્ય સમસ્યાઓનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.