દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૪૫૦ને વટાવી ગયો, પ્રદૂષણમાં બેફામ વધારો

પાટનગર નવી દિલ્હીમાં પ્રદૂષણ બેફામ વધી ગયું હોવાનું જાણવા મળ્યું હતું. દિલ્હી અને એનસીઆરમાં ઘણાં સ્થળે એર ક્વોલિટી ઇન્ડેક્સ ૪૫૦ના આંકને વટાવી ગયો હતો. વહેલી સવારે ધૂમ્મ્સ જેવું પ્રદૂષણ એટલું સઘન હોય છે કે ચાર પાંચ ફૂટ દૂરનું કશું નજરે પડતું નથી.
આજે સવારે ગાઢ ધૂમ્મસ જેવું વાતાવરણ સર્જાયું હતું. જાે કે એ ધૂમ્મસ નહીં પણ પ્રદૂષણ હતું. ખાસ કરીને દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, આઇટીઓ, રોહિણી, દ્વારકા અને આનંદ વિહાર જેવા વિસ્તારોમાં વિઝિબિલિટી શૂન્ય હતી. હવાની ગુણવત્તા પણ અત્યંત ખરાબ હતી.

સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે જણાવ્યા મુજબ આઇટીઓમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૪૬૦થી પણ વધુ હતો. દ્વારકામાં ૪૬૪, રોહિણીમાં ૪૭૮, અશોક વિહારમાં ૪૬૪, જહાંગીર પુરીમાં ૪૯૧, આનંદ વિહારમાં ૪૬૮ અને ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર ૪૪૭ હતો. પર્યાવરણની દ્રષ્ટિએ આ સૌથી ઝેરી હવા હતી. ૪૦૧થી ૫૦૦ સુધીનો ઇન્ડેક્સ સૌથી ઝેરી ગણાય છે અને એ આરોગ્ય માટે ખતરનાક હોવાનો નિષ્ણાતોનો અભિપ્રાય હતો.

આવું માત્ર દિલ્હીમાં નહોતું. નોઇડા અને ગુરુગ્રામમાં પણ આ જ સ્થિતિ હતી. નોઇડાના સેક્ટર એકમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૪૫૮, સેક્ટર નંબર ૬૨માં ૪૭૩ અને સેક્ટર ૧૧૬માં ૪૪૦નો હતો. ગુરુગ્રામ સેક્ટર ૫૧માં ૪૬૯નો હતો.