ગાંધીનગર જિલ્લામાં એક લાખ હેક્ટરમાં વિવિધ પાકનું વાવેતર

મેઘરાજાના રીસામણાંને કારણે ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં સરેરાશ ૨૫ ટકા જેટલો વરસાદ પણ પડયો નથી જેના કારણે સૌથી વધુ ખેતીવાડી પ્રભાવિત થઇ છે. ગાંધીનગર જિલ્લામાં વરસાદના વિરહ વચ્ચે પણ એક લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વિવિધ પાકનું વાવેતર કરી દેવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં છેલ્લા ઘણા વખતથી વરસાદ નહીં પડવાને કારણે વાવેતરની પ્રક્રિયા ખુબ જ ધીમું પડી ગયું છે.ત્યારે જે એક લાખ હેક્ટરમાં વિવિધ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. તે પાકને જીવંત રાખવો હાલ ખેડૂતો માટે મુશ્કેલ બન્યું છે.સતત પિયત આપવું પડે છે જેના કારણે આ વખતે ખેતી કરવી વધુ મોંઘી બની છે.

દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ હાલ ગુજરાતના ખેડૂતો ભોગવી રહ્યા છે. અગાઉ કોરોના પછીની મોંઘવારીની સ્થિતિથી ખેડૂતો ઝઝુમી રહ્યા હતા તેના ઉપર આ વખથે મેઘરાજાએ પણ રહેમ કરી નથી જેના કારણે બિયારણ, ખાતર, મજુરી, પેટ્રોલ-ડિઝલના ભાવવધારાના માર ઉપર હવે વરસાદ નહીં પડવાને પગલે ખેડૂતો વધુ હેરાન થઇ રહ્યા છે. મેઘરાજા રીસામણે છે જેની સીધી અસર ખેતીવાડી ઉપર પડી રહી છે. જગતનોતાત જ નહીં હવે તો સરકાર પર પણ ચિંતાના વાદળો ઘેરાઇ ગયા છે. ગાંધીનગરની વાત કરીએ તો, ગાંધીનગર જિલ્લામાં સરેરાશ છથી આઠ ઇંચ જેટલો એટલે માંડ ૨૫ ટકા જેટલો જ વરસાદ નોંધાયો છે. ઓગસ્ટની સાથે શ્રાવણ માસ પણ પુર્ણ થવા આવ્યો હોવા છતા પુરતો વરસાદ નહીં પડવાને કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. એક બાજુ ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકામાં એક લાખથી વધુ હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે અને બીજીબાજુ વરસાદ પડતો નથી જેના પગલે હવે ખેડૂતોને પાક બચાવવા અને તેના ઉછેર માટે પિયત આપવાની ફરજ પડી રહી છે.

પેટ્રોલ-ડિઝલ, બિયારણ, ખાતર, મજુરી મોંઘી થવાને કારણે ખેતી કરવી સામાન્ય ખેડૂતોને પોષાય તેમ જ ન હતું ત્યારે હવે વાવેતર બાદ વરસાદ નહીં પડવાને કારણે પાકને જીવંત રાખવા અને ઉછેર માટે પિયત આપવું પડે છે. પિયત આપવું પડતું હોવાને કારણે વીજળીનો વપરાશ વધ્યો છે. ખેડૂતોને આ વીજળી પણ હાલની સ્થિતિમાં મોંઘી પડી રહી છે. એટલે વરસાદ નહીં પડવાને કારણે આ વખતે ખેતીની પ્રક્રિયા વધુ મોંઘી બની છે. જેના કારણે આગામી દિવસોમાં ખેતપેદાશોમાં ભાવ વધારો પણ આવે તો નવાઇ નહીં.ઉલ્લેખનીય છે કે, વરસાદના અભાવ વચ્ચ વાદળછાયું વાતાવરણ રહે છે જે પાકમાં રોગચાળો અથવા તો જીવાત ફેલાવવા માટે ફેવરીટ માનવામાં આવે છે એટલે ખેડૂતોને રોગચાળો અને જીવાતથી પાકને બચાવવા માટે મોંઘી દવાઓનો છંટકાવ પણ કરવો પડી રહ્યો છે જેના કારણે પણ ખેતી મોંઘી બની રહી છે.