કોરોનાની સ્પિડ વધી, છેલ્લા ૨૪ કલાકમાં ૪૪,૬૪૩ પોઝિટિવ કેસ નોંધાયા

ભારતમાં કોરોનાના નવા કેસમાં દરરોજ ઉછાળો નોંધાઈ રહ્યો છે. આ ઉછાળો ધીમી ગતિનો છે જોકે તેના કારણે ત્રીજી લહેરની ચિંતા અને સંભાવનાઓ વધી રહી છે. ગઈકાલે જ્યાં દેશમાં ૪૨,૯૮૨ નવા કેસ નોંધાયા હતા તેના કરતા દોઢ હજાર કરતા વધુનો ઉછાળો નોંધાયો છે. દેશમાં પાછલા ૧૦ દિવસના આંકડા જોઈએ તો માત્ર એક દિવસ ૩૦ હજારની નજીક કેસ પહોંચ્યા હતા આ સિવાય આંકડો ૪૦ હજારને પાર કરી ગયો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નવા આંકડા પ્રમાણે દેશમાં પાછલા ૨૪ કલાકમાં નવા ૪૪,૬૪૩ કેસ નોંધાયા છે અને વધુ ૪૬૪ દર્દીઓના મોત થયા છે. ગઈકાલે નવા કેસનો આંકડો ૪૨,૯૮૨ પર પહોંચ્યો હતો અને ૫૩૩ દર્દીઓના મોત થયા હતા, ગઈકાલની સરખામણીમાં આજે નોંધાયેલા નવા કેસમાં મૃત્યુઆંક ઘટ્યો છે.

ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને ૩,૧૮,૫૬,૭૫૭ થઈ ગઈ છે. દેશનો કુલ મૃત્યુઆંક ૪,૨૬,૭૫૪ થઈ ગયો છે. આ સિવાય પાછલા ૨૪ કલાકમાં વધુ ૪૧,૦૯૬ દર્દીઓ સાજા થવાની સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૩,૧૦,૧૫,૮૪૪ પર પહોંચી ગઈ છે.

દેશમાં કોરોનાના નવા કેસમાં વધારો થવાની સાથે સાજા થનારા દર્દીઓની સંખ્યા નીચી નોંધાઈ રહી છે. આ કારણે એક્ટિવ કેસનો આંકડો ફરી એકવાર ઊંચો જઈ રહ્યો છે. દેશમાં પાછલા મહિનાના અંતમાં કોરોનાના એક્ટિવ કેસ ૪ લાખની અંદર પહોંચી ગયા હતા તે ફરી એકવાર ૪,૧૪,૧૫૯ પર પહોંચ્યા છે.

ભારતમાં કુલ વેક્સિનેશનનો આંકડો ૫૦ કરોડની નજીક પહોંચી ગયો છે. ગઈકાલ સુધીમાં કુલ વેક્સિનેશન ૪૯,૫૩,૨૭,૫૯૫ થયું છે. નોંધનીય છે કે દેશમાં ૧૬ જાન્યુઆરીએ રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બીજી લહેર બાદ વેક્સિનેશનની ગતિ તેજ કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં સફળતા પણ મળતી દેખાઈ છે.

આઇસીએમઆર મુજબ ભારતમાં કોરોનાની તપાસ માટે ગઈકાલ સુધીમાં એટલે કે ૫ ઓગસ્ટ સુધીમાં કુલ ૪૭,૬૫,૩૩,૬૫૦ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે વધુ ૧૬,૪૦,૨૮૭ સેમ્પલ લેવામાં આવ્યા હતા.