મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના વરસાદી અસરગ્રસ્ત જિલ્લાઓની સ્થિતિની સમીક્ષા કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં જ્યાં પાણી ભરાયા છે તે વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને જૂનાગઢમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

મુખ્યમંત્રીએ જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ ,ભાવનગર અને રાજકોટ જિલ્લાના કલેકટર સાથે વિડીયો કોન્?ફરન્?સ યોજીને તેમના જિલ્લાઓની વરસાદી સ્થિતીનો તાગ પણ મેળવ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્?દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેતી પાક અને ઘરવખરીને જ્યાં નુકસાન થયું છે ત્યાં તાત્કાલિક સર્વે કરીને સરકારના ધારા ધોરણ મુજબ વહેલાસર સહાય આપવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

અતિ ભારે વરસાદની સ્થિતિમાં માલધારીઓનું ઘાસ પલળી ગયું છે અથવા તો પાણીમાં વહી ગયું છે તેવી રજૂઆતોને ધ્યાને લઈને મુખ્યમંત્રીએ તાત્કાલિક સુકુ ઘાસ અસરગ્રસ્ત જિલ્લાઓમાં પહોંચાડવા વન વિભાગ અને આ અંગે સંકલન કરતા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

વરસાદી અસરગ્રસ્ત જિલ્લાઓમાં થયેલા પશુ મૃત્યુ અંગે ચિંતા વ્યક્ત કરીને મુખ્યમંત્રીએ માલધારીઓને નિયમાનુસાર સહાય ત્વરાએ મળે તેવો સંવેદના પૂર્ણ અભિગમ દાખવી જરૂરી કાર્યવાહી કરવા પણ માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રના જુનાગઢ, રાજકોટ, પોરબંદર, ગીર-સોમનાથ, ભાવનગર જિલ્લાનાં કલેક્ટરોને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી કે રોગચાળો ના ફેલાય તે માટે વરસાદ અટકે કે તુરતજ સફાઈ કામગીરી અગ્રતા ક્રમે હાથ ધરવી જરૂરી છે. તેમણે જરૂરીયાત મુજબ આરોગ્યની વધારાની ટીમ અન્ય જિલ્લાઓમાંથી બોલાવીને પણ આ કામગીરી થાય તેવા દિશાનિર્દેશો આપ્યા હતા.

ખેતીવાડીનાં થયેલા નુકસાના અંગે મુખ્યમંત્રીએ આ બેઠકમાં જણાવ્યું કે, પાણી ઉતરી જાય એટલે ત્વરાએ સર્વે કામગીરી હાથ ધરાવી જોઈએ.

મુખ્યમંત્રીએ સ્થાનિક ધારાસભ્યોના સૂચનો ધ્યાને લઈ તેમજ અધિકારીઓની સ્થળ પરની મુલાકાત બાદના  અહેવાલો અને સૂચનો પણ ધ્યાને લઈને ઘેડમાં દર વર્ષે ભરાતા પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થાઓ પર વિચાર વિમર્શ કર્યો હતો.

આ બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમારે જિલ્લાના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

જુનાગઢ કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા, ગીર સોમનાથના કલેક્ટર વઢવાણીયા, ભાવનગરના કલેક્ટર આર.કે.મહેતા, રાજકોટના કલેક્ટર પ્રભવ જોશી એ ભારે વરસાદમાં તેમના જિલ્લાઓનાં જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલી તાત્કાલિક રાહત બચાવની કામગીરી ની માહિતી આપી હતી.

આ બેઠકમાં જુનાગઢ જિલ્લાનાં ધારાસભ્યોએ જરૂરી સૂચનો કર્યા હતા. અધિક મુખ્ય સચિવ મહેસુલ એમ.કે.દાસ, પ્રભારી સચિવ મનીષ ભારદ્વાજ, રાહત કમિશનર આલોકકુમાર, સીસીએફ આરાધના શાહુ, મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પિઠીયા અને કિરીટભાઈ પટેલ, અગ્રણી દિનેશભાઈ ખટારીયા, ગીરીશભાઈ કોટેચા, પુનિત શર્મા વગેરે આ બેઠકમાં જોડાયા હતા. ગીર સોમનાથ જિલ્લાના પદાધિકારીઓ પણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.