ગંદા પાણીને શુદ્ધ કરીને સુરત પાલિકા વર્ષે કમાય છે ૧૪૦ કરોડ રૂપિયા

દક્ષિણ ગુજરાત માટે જીવાદોરી સમાન તાપી નદી દૂષિત ન થાય આ માટે કેન્દ્ર સરકાર દ્વારા ૯૭૧ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે જે દૂષિત પાણી ઇન્ડસ્ટ્રીમાંથી તાપી નદીમાં જતું હતું, તેને રોકી સુરત મહાનગરપાલિકાએ રિસાઇકલ કરી શુદ્ધ પાણી ઇન્ડસ્ટ્રીને વેચી રહી છે અને વાર્ષિક ૧૪૦ કરોડથી પણ વધુની કમાણી કરે છે. જેથી તાપી નદી શુદ્ધ પણ રહે છે અને પાલિકાનું એક આવકનું સાધન પણ ઊભું થઈ ગયું છે. જે આખા દેશમાં એક મોડલ સમાન છે.

ઔદ્યોગિક નગર સુરતમાં સ્વાભાવિક છે કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારથી ગુજરતી તાપી નદીમાં દૂષિત પાણી જાય, પરંતુ સુરત શહેરમાં હવે આ જોવા નથી મળતું. કારણકે સુરત મહાનગરપાલિકાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કારણે ઇન્ડસ્ટ્રીમાંથી નીકળતા દૂષિત પાણી રિસાઇકલ કરી ઇન્ડસ્ટ્રીને જ વેચી દેવામાં આવતું હોય છે. સાથે જ તાપી નદીમાં જેટલા ૪૬ આઉટલેટ હતા, તેને બંધ કરી દેવાયા છે. તંત્ર એનજીટી અને સુપ્રીમ કોર્ટના ગાઇડલાઇન મુજબ જ તાપીમાં પાણીને જવા દેતી હોય છે.

સિંગણપોર ખાતે જે સ્ટોરેજ પ્લાન્ટ છે, ત્યાંથી તાપી નદીનું પાણી આખા સુરતમાં આપવામાં આવે છે. પાણી દૂષિત ન થાય આ માટે કાર્યવાહી કરવામાં આવે છે. ગણેશ વિસર્જન પણ તાપી નદીમાં બંધ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તાપી નદીમાં જે દૂષિત પાણી આવતું હતું, તે વોટર રિસાઈકલના કારણે આવતું નથી. સુરતમાં તાપી નદી ૮૫ કિલોમીટર સુધી પસાર થાય છે. સિંગણપોર સુધી ૩૩ કિલો મીટરની લંબાઈ છે અને તેના ઉપરનો જે ભાગ છે તેને દૂષિત પાણી રહિત પાણી તાપી નદીમાં પડે. આ માટે ખાસ પ્રોગ્રામિંગ તૈયાર કરવામાં આવ્યો છે, જેથી સંપૂર્ણ રીતે તાપી નદી શુદ્ધ થાય અને શુદ્ધ ગુણવત્તાનો પાણી મળી રહે.