બજેટ 2026: ઉદ્યોગોના પ્રદૂષણ પર લગામ લગાવવા સરકારનો માસ્ટર પ્લાન; ₹20,000 કરોડના ‘કાર્બન કેપ્ચર’ મિશનની જાહેરાત
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે રજૂ કરેલા ‘વિકસિત ભારત’ના બજેટમાં ઔદ્યોગિક પ્રદૂષણ ઘટાડવા અને પર્યાવરણની જાળવણી માટે અત્યંત મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. દેશના ભારે ઉદ્યોગોમાંથી નીકળતા ઝેરી વાયુઓને રોકવા માટે સરકારે આધુનિક ટેકનોલોજી અને ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ભાર મૂક્યો છે.
બજેટની સૌથી મોટી જાહેરાત કાર્બન કેપ્ચર, યુટિલાઈઝેશન એન્ડ સ્ટોરેજ (CCUS) સ્કીમ છે. સ્ટીલ, સિમેન્ટ, રિફાઇનરી અને કેમિકલ જેવા ‘હાર્ડ-ટુ-એબેટ’ (જે ઉદ્યોગોમાં પ્રદૂષણ ઘટાડવું મુશ્કેલ છે) ક્ષેત્રો માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થશે. સરકાર આ ઉદ્યોગોને એવી ટેકનોલોજી અપનાવવા પ્રોત્સાહિત કરશે જે હવામાં ભળતા પહેલા જ કાર્બન ડાયોક્સાઈડને શોષી લેશે.
પ્રદૂષણ નિયંત્રણને વધુ સરળ બનાવવા માટે સરકારે દેશમાં 3 નવા સ્પેશિયલિટી કેમિકલ પાર્ક્સ સ્થાપવાની દરખાસ્ત કરી છે. આ માટે ₹600 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ પાર્કમાં ‘પ્લગ-એન્ડ-પ્લે’ મોડલ હશે, એટલે કે કંપનીઓએ પોતાનો અલગ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવાને બદલે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી સંયુક્ત સુવિધાનો ઉપયોગ કરવાનો રહેશે. આનાથી નાના ઉદ્યોગો (MSMEs) પર પ્રદૂષણ નિયંત્રણનો ખર્ચ ઘટશે અને પર્યાવરણની જાળવણી વધુ સારી રીતે થશે.
ઉદ્યોગો કોલસા કે તેલને બદલે સ્વચ્છ ઉર્જા તરફ વળે તે માટે બજેટમાં નીચે મુજબના પગલાં લેવાયા છે:
- લિથિયમ-આયન બેટરી: બેટરી સ્ટોરેજ સિસ્ટમના ઉત્પાદન માટે વપરાતા મશીનો પરની કસ્ટમ ડ્યુટી નાબૂદ કરવામાં આવી છે.
- બાયોગેસ: CNG માં મિશ્રિત થતા બાયોગેસના મૂલ્યને એક્સાઈઝ ડ્યુટીમાંથી મુક્તિ આપી છે, જેથી ઉદ્યોગો વેસ્ટ-ટુ-એનર્જી તરફ વળે.
- સોલર પેનલ: સોલર ગ્લાસ બનાવવા માટે વપરાતા એન્ટિમની (Sodium Antimonate) પરની ડ્યુટી હટાવી દેવામાં આવી છે.
નાના અને મધ્યમ ઉદ્યોગો પોતાની જૂની અને પ્રદૂષણ ફેલાવતી મશીનરી બદલી શકે તે માટે ₹10,000 કરોડનું ‘SME ગ્રોથ ફંડ’ જાહેર કરાયું છે. આ ફંડ દ્વારા ઓછા વ્યાજે લોન આપીને ઉદ્યોગોને આધુનિક અને ‘લો-કાર્બન’ ટેકનોલોજી અપનાવવામાં મદદ કરવામાં આવશે.
આ બજેટ માત્ર ઉદ્યોગોના વિકાસની જ નહીં, પણ ‘ગ્રીન ગ્રોથ’ની દિશામાં એક મોટું ડગલું છે. ખાસ કરીને કાર્બન કેપ્ચર પાછળનું મોટું રોકાણ ભારતને 2070 સુધીમાં ‘નેટ ઝીરો’ લક્ષ્યાંક હાંસલ કરવામાં મદદરૂપ થશે. – તેમ કેટલાંક નિષ્ણાંતોના મંતવ્યો પરથી જોવા મળી રહ્યું છે.










