થાઈલેન્ડમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, ૨૩ લોકોના મોત, અનેક ઘાયલ

થાઈલેન્ડમાં બુધવારે એક ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં ૨૩ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે અને વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સમરાકુન સુફાન રેસ્ક્યુ ફાઉન્ડેશનના એક અધિકારીના જણાવ્યા અનુસાર, સંસ્થાના કાર્યકર્તાઓ થાઈલેન્ડના સુફાન બુરી પ્રાંતમાં બનેલી આ દુઃખદ ઘટનામાં મૃતકોની ચોક્કસ સંખ્યાની પુષ્ટિ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો સમાચાર એજન્સી એએફપીએ કહ્યું છે કે, ૨૩ મૃતદેહ મળી આવ્યા હોવાની પુષ્ટિ કરી છે.

સોશિયલ મીડિયા પર જોવા મળતા ઘટનાના ફોટા અને વીડિયોમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયા પછી ધુમાડાના ગોટેગોટા નીકળતા જાઈ શકાય છે અને સ્થાનિક બચાવ કાર્યકરો લોકોને મદદ કરતા જાવા મળે છે. આ વિસ્ફોટ ચાઇનીઝ નવા વર્ષના એક મહિના કરતાં પણ ઓછા સમય પહેલાં થયો છે, આ દરમિયાન ફટાકડાની ઘણી માંગ રહે છે. આ વિસ્ફોટ સુફાન બુરી બેંગકોકના ઉત્તર પશ્ચિમમાં લગભગ ૯૫ કિલોમીટર દૂર થયો છે.

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ માટે સ્વિટ્‌ઝર્લેન્ડમાં આવેલા વડાપ્રધાન શ્રેથા થવિસિનનાં કાર્યાલયે એક વીડિયો જાહેર કર્યો જેમાં પ્રાદેશિક પોલીસ કમાન્ડરે તેમને ફોન પર જણાવ્યું કે વિસ્ફોટ સમયે ફેક્ટરીમાં ૨૦થી ૩૦ લોકો હતા અને તે તેમાંથી કોઈ મળી આવ્યું નથી. સમરાકુન સુફન બુરી રેસ્ક્યુ ફાઉન્ડેશનના બચાવ કાર્યકર ક્રિત્સદા માને-ઈન એ અગાઉ કહ્યું હતું કે લગભગ ૧૫થી ૧૭ લોકો માર્યા ગયા હતા. તેમનું કહેવું છે કે સચોટ ગણતરી મુશ્કેલ હતી કારણ કે મૃતદેહો ટુકડાઓમાં હતા. થાઈલેન્ડમાં ફટાકડાનો વેપાર કરતી દુકાનો અથવા ફેક્ટરીઓમાં વિસ્ફોટ સામાન્ય બાબત છે. ગયા વર્ષે દક્ષિણ નરાથિવાટ પ્રાંતમાં ફટાકડાના વેરહાઉસમાં વિસ્ફોટ થતાં ૧૦ લોકો માર્યા ગયા હતા અને ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. થાઈલેન્ડમાં બાંધકામ ક્ષેત્રે સલામતીનો રેકોર્ડ ખૂબ જ ખરાબ છે અને જીવલેણ અકસ્માતો થતા રહે છે.