એનસીબી દ્વારા પૂર્વવતી રસાયણો (નિયંત્રિત પદાર્થો) વિશે ઉદ્યોગોને માહિતી આપવા ઓપન હાઉસ સેશનનું આયોજન કરાયું

અમદાવાદઃ ડ્રગ્સનો દુરઉપયોગ સંવેદનશીલ વય જૂથને અસરકર્તા હોવાથી તે ગંભીર રીતે સામાજિક-આર્થિક સમસ્યાનો મુદ્દો બની ગયો છે. આ મુદ્દાને સંબોધિત કરવો એ અત્યંત આવશ્યક છે. આ માટે અનેક જાગૃતતા અભિયાનો ચલાવવામાં આવે છે, ત્યારે ખાસ કરીને કેમિકલ-ફાર્મા સાથે સંકળાયેલા ઉદ્યોગોને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના નિયંત્રણમાં આવતા ડ્રગ્સ વિશે માહિતી હોય તે જરૂરી પાસુ છે. આ સંદર્ભે અમદાવાદના વટવા ખાતે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા 15 ફેબ્રુઆરીના રોજ ઓપન હાઉસ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતુ.

અમદાવાદમાં એનસીબી દ્વારા વટવા ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશન અને ગુજરાત ડાય્ઝસ્ટફ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનની સહયોગિતમાં ઓપન હાઉસ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં એનસીબીના નિયંત્રણમાં આવતા પુર્વવતી કેમિકલ્સની પ્રાપ્તિ અને સંગ્રહ સહિતની માહિતી ઉદ્યોગોને પુરી પાડવામાં આવી હતી.

વટવા ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશનના ટોરેન્ટ હોલ ખાતે આયોજિત કરાયેલા ઓપન હાઉસ સેશનમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (પશ્ચિમ પ્રાંત)ના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ મનીષ કુમાર (આઇઆરએસ), નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અમદાવાદના ઝોનલ ડિરેક્ટર રિતેશ રંજન, જીડીએમએના પ્રેસિડેન્ટ હરેશ ભુટા, ગ્રીન એન્વાર્યમેન્ટ સર્વિસિસ કો-ઓપ. સો. લિ.ના ચેરમેન રમેશભાઈ પટેલ, જીડીએમએના સેક્રેટરી નિલેશ દામાણી, વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સેક્રેટરી કિરણ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.

આયોજિત કરાયેલા આ કાર્યક્રમમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના નિયંત્રણમાં આવતા પૂર્વવતી કેમિકલને કેવી રીતે પ્રાપ્ત કરવા, કેટલો સંગ્રહ કરવો જોઈએ, આ માટે ક્યાંથી અને કેવી રીતે લાયસન્સ મેળવી શકાય તે સહિતની માહિતી એનસીબી દ્વારા પુરી પાડવામાં આવી હતી. એનસીબીના અધિકારીઓ દ્વારા માહિતીપ્રદ સત્રના અંતે ઉપસ્થિત ઉદ્યોગકારોને મૂંઝવતા પ્રશ્નોનું પણ સમાધાન પુરૂં પાડવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં આશરે 150થી વધુ કેમિકલ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ ઉપસ્થિત રહ્યાં હતા.