જમ્મુ-કાશ્મીરના કટરામાં ૩.૬ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી તરફથી માહિતી પ્રાપ્ત થઈ હતી કે જમ્મુ અને કાશ્મીરના કટરાથી ૯૭ કિમી પૂર્વમાં આજે સવારે ૫ઃ૦૧ વાગ્યે રિક્ટર સ્કેલ પર ૩.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હાલમાં જાનહાનિના કોણ પણ સમાચાર સામે આવ્યા નથી. ભૂકંપની તીવ્રતા ૩.૬ હોવાથી જાનમાલના નુકશાનની સંભાવના ઓછી છે. તુર્કીયેમાં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ દુનિયાના અનેક ભાગોમાં ભૂકંપ અનુભવાયા છે. હાલમાં ન્યુઝીલેન્ડ અને ફિલીપીન્સમાં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.

જોકે, તેમાં કોઈ નુકશાન થયું ન હતું. ૧૩ ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે ૪.૧૫ કલાકે સિક્કિમના યુકસોમ વિસ્તારમાં ભૂકંપ અનુભવાયો હતો. રિકટલ સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૪.૩ નોંધવામાં આવી હતી. ગુજરાતમાં પણ વારંવાર ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં પણ ભૂકંપના નાના-મોટા આંચકાઓ અનુભવાયા હતા. ફેબ્રુઆરીની શરુઆતથી જ ગુજરાતમાં સુરત, સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ વિસ્તારમાં કુલ ૧૦ વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.