અંબાલાલ પટેલની આગાહીઃ વરસાદ બગાડી શકે છે નવરાત્રિની મજા

ગુજરાતમાં ઓગસ્ટ કોરો ગયા બાદ સપ્ટેમ્બરમાં હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આ મહિને વરસાદ નહીં થાય તો ખરીફ સિઝનને મોટો ફટકો પડી શકે છે. રાજ્યમાં વરસાદની આગાહી માટે પ્રખ્યાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે સપ્ટેમ્બર બાદ ઓક્ટોબરમાં પણ વરસાદ રહેશે. હવે વેધર ફેક્ટરમાં મોટો બદલાવ થયો છે. જા ઓક્ટોબરમાં વરસાદ રહ્યો તો નવરાત્રિ બગડી શકે છે. ખેલૈયામાં અત્યારથી જ નવરાત્રિ માટે ઉત્સાહ છે એ સમયે વરસાદ રહ્યો તો નવલાં નોરતાં બગડી શકી છે.

ગયા વર્ષે પણ નવરાત્રિમાં વરસાદને કારણે નવરાત્રિના કેટલાક દિવસોમાં ખેલૈયા ગરબે રમી શક્યા નહોતા. આ વર્ષે પણ એ સ્થિતિ  રિપિટ થાય તેવી શક્યતા અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યાં છે. એટલે ભલે તમે નવરાત્રિની તૈયારીઓ કરો પણ તમારી સાથે રમવા માટે વરસાદ પણ તૈયારીઓ કરી રહ્યો છે. એટલે જરા સાચવજા. અંબાલાલનું કહેવું છે કે આ વખતે નવરાત્રિમાં પણ વરસાદ પડી શકે છે. તો વળી દિવાળીના તહેવારોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અંબાલાલે નવા વર્ષના પ્રારંભે પણ વરસાદ થઈ શકે એવું કહ્યું છે. આંકડામાં જોઈએ તો, ગુજરાતમાં સિઝનનો ૮૬ ટકા વરસાદ વરસ્યો છે. હજુપણ રાજ્યના ૨૦ જિલ્લામાં વરસાદની ઘટ છે. ગતવર્ષે અત્યાર સુધીમાં ૧૦૪ ટકા વરસાદ વરસ્યો હતો. તો ૪૯ તાલુકામાં ૪૦ ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે.

વલસાડના કપરાડામાં સૌથી વધારે ૧૧૭ ઈંચ વરસાદ પડ્યો છે. ગાંધીનગરમાં સૌથી વધુ ૪૧ ટકા વરસાદની ઘટ છે. વરસાદને લઈને હવામાન શાસત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેઓએ કહ્યું છે કે, સપ્ટેમ્બર મહિનામાં વરસાદ થશે અને ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની શક્યતા છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, ૧૩ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. જેને લઈ ઉત્તર અને પૂર્વ ભાગોમાં વરસાદ પડશે. નોંધનીય છે કે, ગઇકાલે પણ રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ નોંધાયો છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરાઇ છે. ૧૩ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. ૧૪ સપ્ટેમ્બર સુધીમાં નવી સિસ્ટમ બનશે જે મધ્યપ્રદેશ તરફ ખેંચાતા ગુજરાતમાં વરસાદ આવશે. આ સાથે તેમણે ઉમેર્યું કે, ૨૨ સપ્ટેમ્બર બાદ બનતી સિસ્ટમથી ગુજરાતમાં વરસાદ આવશે. ૧૦થી ૧૪ સપ્ટેમ્બરમાં અરબ સાગરમાં સિસ્ટમ બનશે આ તરફ બંગાળ અને અરબ સાગરમાં વરસાદી સિસ્ટમથી વરસાદ આવશે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ૧૦ સપ્ટેમ્બરથી એટલે કે આજથી વરસાદી સિસ્ટમ રિટર્ન થશે. ગુજરાતમાં ૧૨ સપ્ટેમ્બર સુધી વરસાદ રહે તેવી શક્યતા છે. ૧૨ સપ્ટેમ્બર બાદ પણ વધુ એક સિસ્ટમ બની રહી છે. આગામી ૧૩ સપ્ટેમ્બરથી ૨૬ સપ્ટેમ્બર સુધી ગરમીનું પ્રમાણ વધશે. ગરમીના કારણે હવાના દબાણ થતાં વરસાદની સંભાવના છે. ૧૪મી સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની રહી છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વધુ એકવાર ભારે વરસાદની શક્યતા છે. સાથે જ ઉતર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની સંભવાના છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. ૨૭ સપ્ટેમ્બરથી ૫ ઓક્ટોબર વચ્ચે ગુજરાતમાં કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે. ૧૭ ઓક્ટોબરના રોજ ભારે પવન ફુકાશે અને નવરાત્રીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી ૨૪ કલાક બાદ રાજ્યમાંથી વરસાદનું જોર ઘટશે.

જોકે, આગાહીમાં કચ્છમાં વરસાદની શક્યતા નહિવત છે. આગામી ૨૪ કલાક માટે વરસાદની આગાહી આવી ગઈ છે.  ૧૧ અને ૧૨ તારીખે ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદારા નગર હવેલીમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ છે. આ સ્થળો સિવાય સુરતમાં પણ હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ૧૩ સપ્ટેમ્બરે સુરત, નવસારી, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગના અપડેટ અનુસાર, આગામી ૨૪ કલાકમાં સારો વરસાદ રહેશે. ખેડા, પંચમહાલમાં ભારે વરસાદ રહેશે, તો અમરેલી, ગીર સોમનાથ, બોટાદમાં પણ વરસાદ રહેશે. આ ઉપરાંત છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ આગાહી છે.

અમદાવાદમાં ૨૪ કલાકમાં સામાન્ય વરસાદની આગાહી છે. આ ૨૪ કલાક બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. પરંતુ સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં વરસાદ ફરી દસ્તક દેશે.સાત દિવસની આગાહીમાં ૧૪ અને ૧૫મી સપ્ટેમ્બરે દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી સામાન્ય વરસાદ કે થંડરશાવરની શક્યતાઓ છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં પણ હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ ૯૮ ટકા વરસાદ નોંધાયો છે. જોકે ઓગસ્ટમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધારી દીધી હતી. સપ્ટેમ્બરમાં સારો વરસાદ આવે તેવી આશા છે. જોકે, બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયુ અને તેના કારણે અમુક વિસ્તારમાં સારો વરસાદ થયો છે.