વાગરાની સાયખા જીઆઈડીસીમાં કેમિકલયુક્ત પાણી પીવાથી 4 પશુઓના મોત થયાનો આરોપ, GPCBએ નમૂના લીધા
ભરૂચઃ વાગરા તાલુકાના સાયખા GIDCના કેમિકલ ઝોનમાં ચાર પશુઓના શંકાસ્પદ મોત થયા છે. હાર્બેક્સ મેડિસીન્સ કંપનીની પાછળની જગ્યામાંથી પશુઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઇશ્વર આહિર કે જેઓ પશુઓના માલિક છે તેઓએ આરોપ લગાવ્યો છે કે હાર્બેક્સ મેડિસીન્સ કંપની દ્વારા ખુલ્લામાં છોડવામાં આવતા કેમિકલયુક્ત પ્રવાહી પીવાથી પશુઓના મોત થયા છે. તેમણે કંપની સામે કાયદેસરની કાર્યવાહી અને વળતરની માંગણી કરી છે.
આ ઘટનાની જાણ થતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીના નમૂના એકત્ર કરી આગળની દિશામાં તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત, પશુઓના મોતનું સાચું કારણ જાણવા માટે મામલતદારની દેખરેખ હેઠળ બે મૃત પશુઓને બહાર કાઢીને પીએમ માટે મોકલવામાં આવ્યા છે.
બીજી તરફ સાયખા જીઆઈડીસીની વાત કરીએ તો સાયખા જીઆઈડીસી તેની માળખાગત સુવિધાઓને લઇને છેલ્લા કેટલાંક સમયથી ચર્ચામાં જોવા મળી રહી છે. અહીં જીઆઈડીસીમાં લાઇન લીકેજ થવી સહિતની કેટલીક સમસ્યાઓ જોવા મળી રહી છે. આ ઉપરાંત, સ્ટ્રોમ વોટર ડ્રેઇનના અભાવ અને પાણીના નિકાસની કોઈ વ્યવસ્થા ન હોવાથી કંટાનિમીડેટેડ એટલે કે દૂષિત પાણી સાથે વરસાદી પાણી ભળી જતાં ડાયલ્યુશન થયેલુ પાણી સમગ્ર જીઆઈડીસીમાં જોવા મળી રહ્યું હોવાની પણ ચર્ચા સંભળાઈ રહી છે. જીપીસીબીએ આ બાબતે સાયખા જીઆઈડીસીને સ્ટ્રોમ વોટર ડ્રેઇન નાખવા, નવી પાણીની લાઇન નાંખવા અને સંપ નાખવા સહિતના તમામ દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે.
સાયખા જીઆઈડીસીના સત્તાધીશોને માળખાગત સુવિધાઓને અપગ્રેડ કરવા માટે વારંવાર જાણ કરવામાં આવી રહી છે. અહીં સબ-સંપ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જીપીસીબી દ્વારા અંડરગ્રાઉન્ડ નેટવર્ક કાઢી નાખવા માટે પણ વિચારણા કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં દૂષિત અને વરસાદી પાણી ભળી જવું, લીકેજ થવું જેવી સમસ્યાઓ ન રહે.
જોકે, હાલ તો પશુપાલકે તંત્ર પાસેથી ન્યાયની આશા સાથે આર્થિક નુક્શાનનું વળતર મળી રહે તેવી આશા રાખવામાં આવી રહી છે.
*File Photo










