સફાળા જાગ્યા બાદ તંત્રએ ખોરાકની રેકડીઓ પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી 65 જેટલી રેકડીધારકોને નોટીસ ફટકારી

રાજપીપળાઃ રાજપીપળામાં રેંકડી ઉપર અખાદ્ય ખોરાક પીરસવાના મામલા બાદ પાલિકાનું આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે. રાજપીપળા નગરપાલિકાની ટીમે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી ૬૫ જેટલી રેંકડીધારકોને સ્વચ્છતા અને ગુણવત્તાના સંદર્ભમાં નોટિસ ફટકારી નિયમોનુ પાલન કરવા સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અખાદ્ય ખોરાકના કારણે બીમારીઓ ફેલાવાનો ભય રહે છે. પાલિકાએ ચોમાસા બાદ રેકડીઓ ઉપર હાઈજીંગ ફૂડમળે તે ઉપર ભાર મુક્યો છે. તમામ લારીઓ પર સ્વચ્છતા જાળવી જરૂરી સાથે શુદ્ધ ફિલ્ટર પાણીની વ્યવસ્થા, સ્વચ્છ ખોરાક ઢાંકીને રાખવા, ખાવાની વસ્તુ બનાવનારે હેન્ડ ગ્લોઝ પહેરવા,  માથે કેપ પહેરવી કે માથાના વાળ ખોરાકમાં પડે નહિ તેવી વ્યવસ્થા રાખવા સૂચના અપાઈ છે.

ગ્રાહકો સ્વચ્છતા વચ્ચે ખોરાક આરોગી શકે તેવી વ્યવસ્થા કરવા આદેશ કરવામાં આવ્યો છે. પાલિકાની ટીમ ગમે ત્યારે ચેકિંગ કરશે અને સ્વચ્છતા ન જોવા મળે તો જેતે રેંકડી ધારકને દંડ સાથે લાયસન્સ પણ રદ કરવાની પણ ચીમકી આપી છે. નવરાત્રીની અને ત્યારબાદ દિવાળી પણ આવી રહી છે ત્યારે ખાણી પીણીની લારીઓ સાથે હોટેલોમાં નાસ્તાઓ ભોજન, અને મીઠાઈ ફરસાણ સહીત વસ્તુઓની માંગ વધશે. આ સમયે બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનું વેચાણ ન થાય તે ઉપર ભાર મુકાયો છે.

લોકોના સ્વાસ્થય સામે જોખમ ઉભું ન થાય તે જરૂરી છે. આ બાબતોને ધ્યાને રાખી પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠા પટેલ, પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ અને ઉપ પ્રમુખ દ્વારા નોટિસ મેળવનાર લારીગલ્લા ખાણી પીણીના લારીધારકોને નોટિસ સાથે કાયદાપાલનની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત હોટલ, ધાબાઓ, ફરસાણ મીઠાઈની દુકાનોમાં જરૂર પડે સરપ્રાઈઝ ચેકીંગ કરવાની તૈયારી બતાવવામાં આવી છે. રસોડામાં સ્વચ્છતા ન જાળવનાર હોટલ સંચાલક સામે પાલિકા દંડ ફટકારશે.