આણંદમાં વરસાદ વિરામ થતાં રસ્તાઓનું મરામત કામ શરૂ કરાયું

વરસાદ પડતાંની સાથે આણંદ ભાલેજ ઓવરબ્રિજથી સામરખા ચોકડી, ભાલેજ ચોકડીથી સામરખા, લીંગડાથી ઉમરેઠ માર્ગ, ઓડ ચોકડી થી સારસા ચોકડી, વહેરાખાડીથી વાસદ સુધી, કરમસદથી બાંધણી ચોકડી માર્ગ, અંધરિયા ચોકડીથી આસોદર ચોકડી, આંકલાવથી કિંખલોડ માર્ગ, ગંભીરા ચોકડીથી આંકલાવ ચોકડી માર્ગ, બોરસદથી તારાપુર, ધર્મજથી બોરસદ, બાકરોલ થી વડતાલ, કરમસદથી જોળ માર્ગ સહિત જિલ્લાના ૪૦ ઉપરાંત માર્ગો બિસ્માર હાલતમાં ફેરવાઇ ગયા હતા.

જેની ફરિયાદોના પગલે રૂ. ૨૦ લાખ ઉપરાંતના ખર્ચે ખાસ મરામત યોજના હેઠળ તાત્કાલિક ધોરણે વરસાદે વિરામ ફરમાવતાંની સાથે માર્ગોની મરામતહાથ ધરવામાં આવતાં ઉમરેઠ, ઓડ, સારસા, ચિખોદરા ચોકડી આણંદ,ભાદરણ થી ખંભાત, સામરખા ચોકડીથી ભાલેજ, લીંગડાથી ઉમરેઠ, બાકરોલ વડતાલ રોડ, આણંદ નાવલી ઉમેટા સહિતના માર્ગોનું ડામર પેચવર્ક શરૂ કરાયું છે.

હાલ રોડના પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચોમાસુ પૂર્ણ થતાંની સાથે બીજા તબક્કામાં આણંદ શહેર સહિત જિલ્લાના અન્ય માર્ગોનું નવીકરણ કામગીરી હાથ ધરાશે.વરસાદમાં આણંદ શહેર સહિત જિલ્લાના ૪૦થી વધુ માર્ગો ધોવાતા ઠેર ઠેર ખાડાઓ પડી ગયા હતા. જેના કારણે વાહનચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડે છે. વરસાદના વિરામ વચ્ચે. પી ડબલ્યુ ડી દ્વારા ખાસ મરામત યોજના હેઠળ રૂા. ૨૦ લાખ ઉપરાંતના ખર્ચે ૪૦થી વધુ માર્ગોનું પેચવર્ક શરૂ કરાયુ છે.