સાણંદ પાસે આવેલાં ગોધાવી ગામ ખાતે ૫૦૦ એકર જેટલા વિશાળ વિસ્તારમાં સ્પોર્ટ્‌સ સિટી તૈયાર થશે

રાજ્ય સરકાર અંદાજે કુલ ૧૦ હજાર કરોડના બજેટની જોગવાઇ કરશે


અમદાવાદઃ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે થયેલી મુલાકાત દરમિયાન મોદીએ અમદાવાદના સાણંદ પાસે આવેલાં ગોધાવી ગામ ખાતે એક સ્પોર્ટ્‌સ સિટી બનાવવા માટે જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ કરવા જણાવ્યું છે. આગામી ચાર વર્ષમાં અહીં ૫૦૦ એકર જેટલા વિશાળ વિસ્તારમાં આ સ્પોર્ટ્‌સ સિટી તૈયાર થશે, જેની પાછળ રાજ્ય સરકાર અંદાજે કુલ ૧૦ હજાર કરોડના બજેટની જોગવાઇ કરશે.

આગામી યુથ ઓલિમ્પિક ૨૦૨૯ અને ઓલિમ્પિક રમતો-૨૦૩૬ની યજમાની કરવા માટે થોડા દિવસો પહેલા જ બીડ કરવાનો સંકલ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો હતો. આ કિસ્સામાં અમદાવાદમાં મોટેરા ખાતે આવેલા સરદાર પટેલ સ્પોર્ટ્‌સ કોમ્પલેક્સ ઉપરાંત આ સ્પોર્ટ્‌સ સિટી રમતોની આ મહા ઇવેન્ટ યોજવા માટે તૈયાર કરી દેવાનું આયોજન છે. આ સ્પોર્ટ્‌સ કોમ્પલેક્સ અમદાવાદ શહેર ફરતે તૈયાર થનારા ૯૦ મીટરના રીંગ રોડને અડીને તૈયાર કરવામાં આવશે. સ્પોર્ટ્‌સ કોમ્પલેક્સમાં દોડ, કૂદ, ફેંક જેવી એથલેટિક રમતો ઉપરાંત સ્વિમિંગ, જિમ્નાસ્ટિક્સ, કુસ્તી, બોક્સિંગ, શૂટિંગ, બાસ્કેટ બોલ, ટેનિસ, ફૂટબોલ, હોકી, ક્રિકેટ, બાસ્કેટ બોલ સહિતની રમતો માટેના સ્ટેડિયમ અને કોચિંગ ફેસિલિટી તૈયાર કરાશે.

આ ઉપરાંત એક સાથે પાંચસોથી એક હજાર રમતવીરો રોકાઇ શકે તેવી સ્પોર્ટ્‌સ હોસ્ટેલ પણ તૈયાર કરાશે. મોટેરામાં ટીપી ફાઇનલ ન થતાં આયોજન વિચારાયું મોટેરામાં આવેલા સરદાર પટેલ સ્પોર્ટ્‌સ કોમ્પલેક્સ ઉપરાંત તેની આસપાસ જ ઓલિમ્પિક વિલેજ અથવા કાયમી સ્પોર્ટ્‌સ સુવિધા ઊભી કરવા માટેનું આયોજન કરાયું હતું. પરંતુ આ વિસ્તારની આસપાસની ટાઉન પ્લાનિંગ સ્કીમમાં સમાવિષ્ટ પ્લોટ ધારકો સાથે જમીનની કિમતોને લઇને સમાધાન ન આવતા આ નવા વિસ્તારની પસંદગી કરવામાં આવી હોવાનું ગુજરાત સરકારના સૂત્રો જણાવે છે.

વધુ સ્થળોને લઈને પણ વિચારણા ચાલી રહી છે. હાલ પતિયાલાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝ નેશનલ સ્પોર્ટ્‌સ ઇન્સ્ટિટ્યૂટ અને હરિયાણાની વિવિધ સ્પોર્ટ્‌સ એકેડેમીમાં દેશભરના ખેલાડીઓ ટ્રેનિંગ અને કોચિંગ માટે જાય છે. એક વખત ગુજરાતની આ એકેડેમી તૈયાર થઇ જાય પછી અહીં તમામ રમતોના ભારતીય ખેલાડીઓ માટેનું મક્કા થઇ જશે. અહીં જ આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા ઉપરાંત કોચ અને નિષ્ણાતો પણ તૈનાત કરવાનું આયોજન છે. ગુજરાતના ખેલાડીઓ માટે આ ઉત્તમ તક હશે. હાલ એક મોટા કોર્પોરેટે જમીનો ખરીદી છે

ગુજરાત સરકારના સૂત્રો જણાવે છે કે ગોધાવી આસપાસના વિસ્તારોમાં અમદાવાદની એક મોટી કન્સ્ટ્રક્શન ફર્મ થકી ભારતના એક મોટા કોર્પોરેટ હાઉસે બલ્કમાં જમીનો ખરીદી છે. સ્પોર્ટ્‌સ સિટી બનાવવા માટે આ વિસ્તાર પસંદ થયો હોવાથી કોર્પોરેટ હસ્તકની જમીનો ઉપયોગમાં લેવાશે તો તેમને મોટો ફાયદો થઇ શકે છે.