ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્ક ખાતે નદી ઉત્સવનું આયોજન કરાયું

નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પર વિભાગ દ્વારા આજરોજ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત નદી ઉત્સવનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર ખાતે આયોજિત નદી ઉત્સવમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી  પ્રદિપભાઇ પરમાર સહભાગી બન્યા હતા. તેમણે નદી ઉત્સવ અંતર્ગત સર્વે સાથે નેચર વોક પણ કર્યું હતું.

આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી  પ્રદિપભાઇ પરમારે જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં નદીને માતા કહેવામાં આવી છે. આજે પણ આપણી સંસ્કૃતિમાં નદીની પૂજા- અર્ચના કરવામાં આવે છે. દેશને આઝાદી પ્રાપ્ત થયેને ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસર પર ભારતની સંસ્કૃતિ અને સિધ્ધિઓના ભવ્ય ઇતિહાસના સ્મરણ અને ઉજવણી માટે ભારત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવનો આરંભ તા. ૧૨મી માર્ચ, ૨૦૨૧ના રોજ કરવામાં આવ્યો હતો. આ મહોત્સવ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં તા. ૨૬ થી ૩૦ મી ડિસેમ્બર, ૨૦૨૧ દરમ્યાન નદી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે, આ નદી ઉત્સવની ઉજવણી થકી લોકોમાં નદી સ્વચ્છતા અંગેની લોક જાગૃત્તિ લાવવાનો ઉમદા આશય છે. આ ઉત્સવ રાજયની નર્મદા, તાપી અને સાબરમતી નદી કિનારના વિસ્તારમાં ઉજવવામાં આવી રહ્યો છે. આજે સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વાર્મિંગની અસર જોવા મળી રહી છે, એટલે જ આ ઉત્સવ થકી પર્યાવરણ બચાવો, વૃક્ષો વાવો, પાાણી બચાવો અને નદીની સ્વચ્છતા અંગે જાગૃત્તિ આવે તેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત કોલેજના વિધાર્થીઓ સાથે મંત્રીશ્રી અને અન્ય મહાનુભાવોએ નેચર વોક ઇન્દ્રોડા પાર્કમાં કર્યું હતું. તેમજ વનસ્પતિ તથા પ્રાણી સૃષ્ટિનું એક્ષીબીશન પણ નિહાળ્યું હતું. પર્યાવરણ – પ્રાણીઓ વિશેની રસપ્રદ માહિતી ગીર ફાઉન્ડેશનના તજજ્ઞો દ્વારા વોક દરમ્યાન આપવામાં આવતું હતું. સર્વે લોકોએ નદી સ્વચ્છ રાખવાનો સંકલ્પ લીધો હતો. સંત સરોવર ખાતે વિધાર્થીઓ દ્વારા અને મહાનુભાવોએ ઇન્દ્રોડા પાર્કમાં વૃક્ષા રોપણ કર્યું હતું.

આ પ્રસંગે સિંચાઇ યોજના વર્તુળ, અમદાવાદના અધિક્ષક ઇજનેર શ્રી પી.વી.વ્યાસે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. ગીર ફાઉન્ડેશનના નાયબ નિયામક શ્રી વી.એન.ગોસ્વામીએ ગીર ફાઉન્ડેશનની વિવિધ પ્રવૃત્તિ અંગે અને વૃક્ષોનું મહત્વ જીવનમાં કેટલું છે, તેની રસપ્રદ માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે જળ સંપત્તિના ખાસ ફરજ પરના અધિકારી શ્રી જે.કે.ત્રિવેદીએ આભારવિધી કરી હતી.

આ કાર્યક્રમમાં કોલેજના વિધાર્થીઓ અને ગાયત્રી પરિવારના સભ્યો સહભાગી બન્યા હતા.