વરસાદી પાણીના નિકાલ માટે અમદાવાદમાં નવી ડ્રેનેજ લાઈન નંખાશે

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા વોટર સપ્લાય કમિટી માં વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર સિસ્ટમ ને બદલવા અંગેની ચર્ચા થઇ હતી. જેમાં ભાજપના સત્તાધીશોએ ડ્રેનેજ સિસ્ટમને બદલવા માટે અધિકારીઓ પાસે કયા વિસ્તારમાં સૌથી વધુ પાણી ભરાય છે અને ક્યાં ડ્રેનેજ સિસ્ટમ કેટલી બદલવાની જરૂર છે તે અંગે રિપોર્ટ તૈયાર કરવા સુચના આપી હતી.વોટર સપ્લાય કમિટીના ચેરમેન જતીન પટેલે જણાવ્યું હતું કે રવિવારે શહેરમાં પડેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હવે વરસાદની પેટર્ન બદલાઇ છે અને ડ્રેનેજ સિસ્ટમ એક કલાકમાં એક ઇંચ વરસાદ પડે તેના પાણીની નિકાલની છે પરંતુ હવે અધિકારીઓને આ ડ્રેનેજ સિસ્ટમને બદલવા માટેની સૂચના આપવામાં આવી છે. જે વિસ્તારમાં સૌથી વધારે વરસાદ અને પાણી ભરાય છે ત્યાં ડ્રેનેજ સિસ્ટમ ને બદલવા માટે હવે આગામી સમયમાં ત્યાં પણ શહેરમાં નવી ડ્રેનેજ લાઇન નાખવામાં આવશે. વરસાદને અનુરૂપ ભરાતા પાણીને ધ્યાનમાં રાખી અને નાખવા માટે જણાવવામાં આવ્યું છે. જેથી હવેથી નવી ડ્રેનેજ લાઇનના કામો માં તે મુજબ કામગીરી કરવામાં આવશે.

ઉપરાંત કમિટીમાં વરસાદી પાણીનો નિકાલ તળાવમાં થાય છે. વરસાદી પાણી જ્યારે તળાવમાં ભરાઈ જાય છે ત્યારે કેટલાક તળાવોમાં હવે પાણી એટલું ભરાઈ જાય છે કે પાણી ઓવરફલો થઈને બહાર આવે છે. જેથી હવે તળાવો ઓવરફલો ન થાય તેના માટે તળાવની સપાટીને મેઈન્ટેઇન રાખવા માટેની એસઓજી બનાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે. હવે વરસાદની પેટર્ન બદલાતા વધુ પાણી ભરાઈ અને તળાવો ઓવરફલો થાય છે. જેથી તળાવોની સપાટી પણ મેઇન્ટેન રાખવામાં આવશે.અમદાવાદ શહેરમાં અનરાધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કેટલાંક વિસ્તારમાં ૩૬ કલાક સુધી પાણી ઓસર્યા ન હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની વર્ષો જૂની ડ્રેનેજ સિસ્ટમની ખામીના કારણે વરસાદી પાણીનો નિકાલ ઝડપથી થઇ શકયો ન હતો. જેથી હવે તંત્ર અને સત્તાધિશોને ભાન થયું છે. એક કલાકમાં એક ઇંચ વરસાદ પડે અને વરસાદી પાણી ભરાય તેવી ડ્રેનેજ સિસ્ટમને હવે બદલવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.