અંજારમાં કેમો સ્ટીલની કંપનીમાં મોટી દુર્ઘટના સર્જાઇ, ૬ મજૂર જીવતા સળગ્યા, ૩નાં મોત

અંજારઃ કચ્છના અંજારમાં કેમો સ્ટીલની કંપનીમાં ઉત્તરાયણની રાતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સ્ટીલ કંપનીમાં ભઠ્ઠી ઊભરાઈ જતા ૬ મજૂર જીવતા સળગ્યા હતા. સ્ટીલ ઓગાળતા સમયે ૬ મજૂરો ગંભીર રીતે દાઝ્યા હતા. જેમાં ત્રણ કામદારોના મોત નિપજ્યા છે. જોકે, સળગતા શરીરે દીવાલ કૂદતા કામદારોના બિહામણા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.

મળતી વિગત પ્રમાણે અંજારના બુઢારમોરામાં કેમો સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝ આવેલી છે. આ કેમો સ્ટીલ કંપનીમાં ઉત્તરાયણના દિવસે મોટી દુર્ઘટના ઘટી છે. ચાલુ કામમાં અચાનક સ્ટીલ કંપનીની ભઠ્ઠી ઉભરાઈ ગઈ હતી. સ્ટીલ પીગાળતા સમયે બનેલી આ ઘટનામાં ૧૦ જેટલા મજૂરો ગંભીર રીતે દાઝ્યાં હતા. અચાનક ભઠ્ઠી ઉભરાઈ જતા અફરાતફરી મચી ગઈ હતી. કામદારો જીવ બચાવવા ભાગમભાગ કરતા જોવા મળ્યાં હતા. જીવ બચાવવા માટે એક મજૂરે કંપનીના ઉપરના માળેથી છલાંગ લગાવી હતી. આ દ્રશ્યો કંપનીના કેમેરામાં કેદ થયા છે. જે બહુ જ બિહામણા બની રહ્યા હતા.

મજૂરો સળગળા સળગતા જીવ બચાવવા દોડતા જોવા મળ્યા હતા. આ દુર્ઘટનામાં ત્રણ મજૂરોના મોત નિપજ્યા છે. તો ચારની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. કેટલાક ગંભીર રીતે ઈજાગ્રસ્ત કામદારોને અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયા છે. જ્યારે અન્ય છ લોકોને સ્થાનિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.