દમણના ડાભેલ વિસ્તારમાં કંપનીમાં ભીષણ આગ લાગતા ચકચાર મચી

દમણના ડાભેલ વિસ્તારમાં આવેલી કંપનીમાં આજે મળસ્કે આગ સળગી ઉઠી હતી. જ્વલંતશીલ પ્રવાહીના જથ્થાને કારણે આગ વધુ તીવ્ર બનતા આખી કંપની લપેટમાં આવી જતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. દમણ, સેલવાસ, વાપી, સરીગામ સહિતના ૧૫થી વધુ ફાયરબ્રિગેડના વાહનો ઘટના સ્થળે પહોંચીને બેકાબુ આગને કાબુમાં લેવા કવાયત આદરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ડાભેલના આટિયાવાડમાં પ્લોટ નં.૧૬૮/૧૭૯/૧૮૦ માં સુપરટેક વુવન ઇન્ડસ્ટ્રિઝ નામક ટેક્ષટાઇલ કંપની આવેલી છે. આજે મંગળવારે મળસ્કે કંપનીમાં અચાનક આગ સળગી ઉઠી હતી. જો કે કંપનીમાં રહેલા જ્વલંતશીલ પ્રવાહીના જથ્થાને કારણે આગ વધુ તેજ બનતા જોતજોતામાં આખી કંપની આગની લપેટમાં આવી જતા ભારે દોડધામ મચી ગઇ હતી. આગ લાગતા કર્મચારીઓ બહાર નિકળી ગયા હતા.

ઘટનાને પગલે દમણ, સેલવાસ, વાપી, સરીગામ સહિતના વિસ્તારના ૧૫થી વધુ બંબા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બાદમાં લશ્કરોએ બેકાબુ બનેલી આગને કાબુમાં લેવા પાણીના ભારે છંટકાવની સાથે ફોર્મનો ઉપયોગ કરવા જહેમત આદરી હતી. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી.

આગને પગલે આજુબાજુમાં આવેલી કંપનીના કર્મચારીઓમાં પણ ફફડાટ મચી ગયો હતો. આગ કયા કારણોસર લાગી તે અંગે કોઇ વિગત બહાર આવી નથી. આગને કારણે કંપનીમાં તૈયાર માલ અને રો મટરિયલ બળી ગયો હતો. સાથે કંપનીના સ્ટ્રકચરનું મોટુ નુકશાન થયું હતું.