ગાંધીનગર મુકામે જેતપુરના ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાની આગેવાની હેઠળ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટ્રિંગ એશોસીએશનના પ્રતિનિધિ મંડળ દ્વારા મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત

ગાંધીનગરઃ તારીખ ૨૬ જૂન, ૨૦૨૩, સોમવારના રોજ જેતપુરના ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાની આગેવાની હેઠળ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટ્રિંગ એશોસીએશનના પ્રતિનિધિમંડળે ગાંધીનગર મુકામે ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથેની મુલાકાત દરમ્યાન એશોસીએશનના પ્રમુખ જયંતિભાઇ રામોલીયા દ્વારા જેતપુરના ટેક્ષટાઇલ ઉદ્યોગના વિવિધ પ્રશ્નોની સાથે જેતપુરના ટેક્ષટાઇલ ઉદ્યોગ માટે નવી જીઆઇડીસીની ફાળવણી કરવા અંગેની રજુઆત કરવામાં આવી હતી, જે અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યોગ્ય કાર્યાવાહી કરવાની ખાત્રી આપી છે.

જેતપુરના ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ચર્ચા દરમ્યાન જેતપુરના ટેક્ષટાઇલ ઉદ્યોગના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી તમામ મદદ મેળવવાની ખાત્રી મેળવી હતી.  સદરહુ મુલાકાત દરમ્યાન પ્રતિનિધિમંડળમાં જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટ્રિંગ એસોસીએશનના પ્રમુખ જયંતિભાઇ રામોલીયા સાથે પૂર્વ પ્રમુખ ભાવિકભાઇ વૈષ્ણવ, સેક્રેટરી ચેતનભાઇ જોગી તેમજ સીનીયર કારોબારી સભ્ય જતીનભાઇ વડાલીયા અને પ્રવિણભાઇ નંદાણીયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રતિનિધિ મંડળ પાસેથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાતચીત દરમ્યાન ટેક્ષટાઇલ ઉદ્યોગની તાજેતરની પરિસ્થિતિ અને સમસ્યાઓનો ચિતાર મેળવ્યો હતો અને ભવિષ્યમાં ઉદ્યોગના વિકાસ માટે રાજ્ય સરકારની કટીબદ્ધતા વ્યક્ત કરતા એશોસીએશન વતી પ્રમુખ જયંતિભાઈ રામોલિયાએ આભાર વ્યક્ત કર્યો હતો. આમ, જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટ્રિંગ એશોસીએશનના પ્રતિનિધિ મંડળની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથેની ફળદાયી નીવડી હતી. શુભેચ્છા મુલાકાત બદલ એસોસિએશનના પ્રમુખ જયંતિભાઇ રામોલીયા દ્વારા ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાની કામગીરીને હ્રદયપુર્વક બિરદાવવામાં આવી હતી અને સાથોસાથ સર્વે સભ્યોએ પણ સદરહુ મુલાકાત બદલ રાજીપો વ્યક્ત કર્યો હતો.